બુધવારથી અહીંના મોટેરા સ્ટેડિયમની નવી પીચ પર શરૂ થઇ રહેલી પિન્ક બોલ ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પછાડવા માટે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ પિન્ક બોલ સાથે જોડાયેલી સમસ્યાઓનું યોગ્ય સમાધાન શોધવું પડશે.
જો કે હવે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમે નવા ક્લેવર ધારણ કર્યા છે અને હવે તે પહેલાથી વધુ વિશાળ જણાય છે. વળી ઘણાં લાંબા સમય પછી અહીં ટેસ્ટ રમાઇ રહી છે અને તેના કારણે જ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ વધુ ફાયદાની આશા સાથે મેદાને પડવાની નથી. ભારતીય ટીમની ઇચ્છા તો એવી હશે કે પીચ સ્પિનરોને મદદરૂપ થાય કે જેનાથી તેઓ 2-1ની સરસાઇ મેળવી શકે, જો કે પીચનો વ્યવહાર કેવો રહેશે તે જોવાનું હજુ બાકી છે અને બંને ટીમની નજર પીચના વલણ પર મંડાયેલી છે.
સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ પીચ બાબતે ટીમનો જે મત છે તે સ્પષ્ટ કરી દીધો છે. તેઓ એવી પીચ ઇચ્છે છે કે જે અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનરોને મદદરૂપ થઇ શકે. જો કે કેટલાક એવા સવાલો છે જેનો જવાબ શોધવાનો બંને ટીમ પ્રયાસ કરશે. સંધ્યાકાળનો સમય બેટ્સમેનો માટે કેવો રહેશે તે પણ અગત્યની વાત છે. જેમ્સ એન્ડરસનનું એવું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ કરશે.
ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હોવાથી અંતિમ ઇલેવનમાં કુલદીપને સ્થાન નહીં મળે
અમદાવાદના મોટેરા સ્ટેડિયમની નવી પીચ કોને મદદરૂપ થઇ શકે છે તે બાબતે કોઇને કંઇ ખબર નથી, ત્યારે આ તરફ ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો હોવાથી તે અંતિમ ઇલેવનમાં સામેલ થઇ શકે છે અને તેના કારણે સંભવત: કુલદીપ યાદવની ટીમમાંથી બાદબાકી થઇ શકે છે. આ સ્થિતિમાં ઇશાંત, બુમરાહ અને ઉમેશ એમ ત્રણ ઝડપી બોલરો તેમજ અશ્વિન-અક્ષરની સ્પિન બેલડી સાથે ભારતીય ટીમ મેદાને ઉતરે તેવી સંભાવના છે.
એસજીનો ગુલાબી બોલ વધુ લીસ્સો હોવાથી અશ્વિન-અક્ષરની જોડી માટે સમસ્યા ઊભી થશે
મોટેરાની નવી પીચ પર સ્પિનરોને મદદ મળશે કે કેમ તે બાબતે હજુ કંઇ સ્પષ્ટરૂપે કહી શકાય તેમ નથી, વળી એસજીનો ગુલાબી બોલ વધુ લિસ્સો હોવાથી તે અશ્વિન અને અક્ષરની સ્પિન બેલડી માટે મુશ્કેલી ઊભી કરી શકે તેવી સંભાવના છે. વળી મેચ બપોરે 2.30થી શરૂ થવાની છે ત્યારે અંતિમ સેશનમાં જો ઝાકળની ભૂમિકા આવે તો તે સમયે સ્પિનરોને બોલ પર ગ્રીપ જમાવવામાં મુશ્કેલી પડી શકે છે.
અમદાવાદ સુનિલ ગાવસ્કરથી કપિલ દેવ અને સચિન સુધીનાએ મેળવેલી સિદ્ધિઓનું સાક્ષી
અમદાવાદ એ ક્રિકેટીય સ્થળ છે કે જે ભારતીય ક્રિકેટ જગતની ઘણી સિદ્ધીઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સુનિલ ગાવસ્કરના 10,000 ટેસ્ટ રન હોય કે કપિલ દેવનું 83 રન આપીને 9 વિકેટ ઉપાડવાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અને રિચર્ડ હેડલીના સર્વાધિક ટેસ્ટ વિકેટના રેકોર્ડને પણ કપિલે આ જ મેદાન પર તોડ્યો હતો.
આ મેદાન પર જ સચિન તેંદુલકરે પોતાની પહેલી બેવડી સદી ફટકારી હતી અને હવે રવિચંદ્રન અશ્વિન અહીં જ 400 વિકેટની ક્લબમાં સામેલ થવાનો પ્રયાસ કરશે, જેના માટે તેને છ વિકેટ ખુટે છે. વળી આ જ મેદાન પર ઇશાંત શર્માં પોતાની કેરિયરની 100મી ટેસ્ટ રમવા માટે આવતીકાલે મેદાને ઉતરી શકે છે.