World

ટેસ્લાની થશે ભારતમાં એન્ટ્રી, મોદીને મળ્યા બાદ મસ્કની જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) અમેરિકાના (America) પ્રવાસે છે અને મંગળવારે તેમણે ટેસ્લાના (Tesla) સીઈઓ ઈલોન મસ્ક (ElonMusk) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં (India) એન્ટ્રીને લઈને પણ વાતચીત થઈ હતી. મીટિંગ બાદ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે ભારતીય માર્કેટમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને મોટો દાવો કર્યો છે. ન્યૂયોર્કની પેલેસ હોટેલમાં ઈલોન મસ્કએ કહ્યું કે ટેસ્લા કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરશે, જે એક મહત્વપૂર્ણ પગલું હશે.

મસ્ક ભારતમાં રોકાણ કરવા તૈયાર છે
ઈલોન મસ્કે પીએમ મોદીને મળ્યા બાદ કહ્યું કે ભારતમાં રોકાણ કરવાની યોજના અંગે વાત કરતા કહ્યું કે અમે આવતા વર્ષે ભારતના માર્કેટમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આવતા વર્ષે ટેસ્લા ભારતમાં હશે. તેમણે વધુમાં કહ્યું કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના સમર્થન માટે આભાર માનવા માંગુ છું અને આશા રાખું છું કે નજીકના ભવિષ્યમાં અમે કંઈક જાહેરાત કરી શકીશું. ભારત સાથેના અમારા સંબંધોમાં આ એક મહત્વપૂર્ણ રોકાણ હશે.

મસ્કે પીએમ નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કરતા કહ્યું, હું મોદીનો ફેન છું
અન્ય એક નિવેદનમાં ઈલોન મસ્કે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે, હું મોદીનો ફેન છું. ટેસ્લાના સીઈઓ સાથેની તેમની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યું, “આજે તમારી સાથેની મુલાકાત ખૂબ જ શાનદાર રહી.” આ ટ્વીટ પર મસ્કે જવાબ આપતા રીટ્વીટ કરતા લખ્યું કે, ”તમને ફરીથી મળવું ખૂબ જ સન્માનની વાત છે.”

ટેસ્લાની એન્ટ્રી ભારત માટે મોટી જીત
ભારતમાં રોકાણ કરવાના ટેસ્લાના આ નિર્ણયને દેશ માટે એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીએ ભૂતકાળમાં ભારતમાં આ પ્રકારનું કોઈપણ રોકાણ કરવામાં અનિચ્છા દર્શાવી હતી. મોદીની મુલાકાત બાદ ટેસ્લાનું વલણ બદલાયું તે મોટી જીત છે.

તમને જણાવી દઈએ કે એપલના સીઈઓ ટિમ કૂકની તાજેતરની જાહેરાત બાદ આ બીજી મોટી જાહેરાત છે. એપલના સીઈઓએ કહ્યું હતું કે તેઓ ભારતમાં તેમના ઉત્પાદન પ્રયાસોને વેગ આપશે.

Most Popular

To Top