નવી દિલ્હી(New Delhi): અમેરિકાની (America) અગ્રણી ઇલેક્ટ્રિક કાર (Electric Car) ઉત્પાદક કંપની ટેસ્લાના (Tesla) ઈન્ડિયા (India) એન્ટ્રી પ્લાનને લઈને એક નવા સમાચાર જાણવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં ટેસ્લાની એક ટીમ ભારત આવવાની છે જે અહીં કંપનીના પ્લાન્ટ માટે જમીનની શોધશે. ટેસ્લાએ તાજેતરમાં તેના નવા પ્લાન્ટ માટે 2-3 બિલિયન ડોલર અંદાજે 16,700 કરોડથી રૂ. 25,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ ટેસ્લાની એક ટીમ ચાલુ મહિને ભારત આવે તેવી સંભાવના છે. આ ટીમ અહીં કંપનીની ફેક્ટરી માટે જમીન શોધવાનું કામ કરશે. તાજેતરમાં ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી પોલિસી તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને આયાત ડ્યૂટીમાં છૂટ આપશે.
ભારત સરકારે પોલિસીમાં બદલાવ કરતા ટેસ્લાએ પ્લાન બનાવ્યો
મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ભારત સરકાર દ્વારા પોલિસીમાં કરાયેલા આ ફેરફારે લીધે ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા અમેરિકા અને ચીનમાં (China) મજબૂત પડકારોનો સામનો કરી રહી છે. ચીનની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) એ વાહનોના વેચાણમાં ટેસ્લાને પાછળ છોડી દીધી છે. આ કારણે ટેસ્લા ઝડપથી અન્ય બજારોમાં પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે.
ટેસ્લા આ રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપી શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા કંપની ભારતમાં તેના નવા પ્લાન્ટ સ્થાપવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. તે માટે ટેસ્લા ભારતમાં જમીન શોધી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્થાન નક્કી કરવામાં આવ્યું નથી. ટેસ્લા ફેક્ટરી માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના છે.
ભારતમાં આટલી કિંમતની ઈલેક્ટ્રિક કાર ટેસ્લા બનાવશે
ટેસ્લાની ભારત માટેની યોજનાઓ માત્ર ઉત્પાદન પુરતી મર્યાદિત નથી. અહેવાલ અનુસાર કંપનીએ ભારતીય બજાર માટે અંદાજે 20 લાખ રૂપિયાની કિંમતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવાની પણ યોજના બનાવી છે. આ સિવાય કંપની હાઈ એન્ડ મોડલ્સ પર ટેક્સ મુક્તિની પણ હિમાયત કરી રહી છે.
બે વર્ષમાં ફેક્ટરી શરૂ થાય તેવી સંભાવના
થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ભારત અમેરિકન ઓટોમેકર ટેસ્લા ઇન્ક સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવાના આરે છે, જેના હેઠળ કંપની આવતા વર્ષથી દેશમાં તેના ઇલેક્ટ્રિક વાહનોની આયાત અને વેચાણ કરી શકશે. બે વર્ષના સમયગાળામાં ફેક્ટરી શરૂ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
યુએસમાં પીએમ મોદી સાથેની મસ્કની મુલાકાત બાદ વાત આગળ વધી
ટેસ્લાના ભારતમાં પ્રવેશની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) યુએસ (US) મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) અને પીએમ મોદી વચ્ચેની બેઠકે આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. જે પછી એલોન મસ્કે ભારતમાં ટેસ્લા કાર લોન્ચ કરવાની અને પ્લાન્ટ સ્થાપવાની વાત કરી. તમને જણાવી દઈએ કે એલોન મસ્કે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે ટેસ્લા વર્ષ 2024 સુધીમાં ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા પર વિચાર કરી રહી છે.
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વધી રહ્યું છે
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે દેશમાં વેચાયેલા કુલ પેસેન્જર વાહનોમાં એકલા ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો લગભગ 1.3% હતો, જે આ વર્ષે વધુ વધવાની ધારણા છે. થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યુમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના સિનિયર એક્ઝિક્યુટીવ શશાંક શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ઈલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો હાલમાં લગભગ 2.2% છે, તે વધીને 18-20 ટકા થઈ જશે.