Business

નજીકના ભવિષ્યમાં ટેસ્લાની ફેક્ટરી ભારતમાં સ્થાપિત થઈ શકે છે, એલન મસ્કએ આ શરત મૂકી!

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની જાયન્ટ ઇલેકટ્રીક કાર ઉત્પાદક ટેસ્લા ભારત (Tesla-India)માં આવી રહી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે અને તેઓએ ભારતમાં રજિસ્ટ્રેશન (Registration) પણ કરાવી દીધું છે. ટેસ્લાના પ્લાન્ટ (Tesla plant) માટે દેશના અનેક રાજ્યો વચ્ચે હોડ જામી છે અને તેઓ ટેસ્લા માટે લાલ જાજમ પાથરી રહ્યા છે. જોકે, હજુય ટેસ્લા કયા રાજ્યમાં પ્લાન્ટ સ્થાપશે તે નક્કી થયું નથી, પરંતુ ટેસ્લા ભારતમાં પ્રવેશ કરે તે પુર્વે જ રાહતની માગ શરૂ કરી દીધી છે. ટેસ્લાએ ભારતને ઇમ્પોર્ટ પર ઇમ્પોર્ટ ડયુટી (Import duty) ઘટાડવાની માગ કરી છે.

અમેરિકાની ઇલેકટ્રીક કાર ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં ઇલેકટ્રીક વાહનો પરની ડયુટીમાં ઘટાડો કરવાની માગ કરી છે. ભારતમાં હજુય ઇલેકટ્રીક ગાડીઓનું બજાર પાંગરી રહ્યું છે અને આગામી સમયમાં હજુય મસમોટી કંપનીઓ ભારતમાં કારોબાર શરૂ કરવા માટે અવકાશ તપાસી રહી છે તેવામાં એલન મસ્કે ભારત સરકાર પાસે કારના ઇમ્પોર્ટ ડયુટીમાં રાહતની માગ કરી છે. ભારતીય વરિષ્ઠ અધિકારીએ એલન મસ્કની આ વાત મીડિયા સમક્ષ મુકી છે. હાલમાં સંપુર્ણપણે વિદેશથી નિર્મિત ભારતમાં આયાત થતાં એકમોમાંથી કાર પરની ડયુટી 60થી 100 ટકાની વચ્ચે છે. આ એન્જિનના કદ અને કિંમત, વીમા પર આધારિત છે.

ભારતમાં વિદેશથી આયાત થત ઇલેકટ્રીક વાહનો પર બજાર મુલ્ય 40000 ડોલર કરતાં નીચું હશે તો 60 ટકા અને 40000 ડોલર કરતાં વધુ હશે તો 100 ટકા ઇમ્પોર્ટ ડયુટી વસુલવામાં આવે છે. અધિકારીએ પીટીઆઇને કહ્યું છે કે, ખરેખર તે સરકારી આવકની વાત છે, પરંતુ ફી ઘટાડવાની તેમની માગ જાહેર મંચની છે અને અન્ય તમામ ભારતના ઇલેકટ્રીક વાહનોના બજારમાં આવવા ઇચ્છુક કંપનીઓ વતીની છે. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં ઇ-વાહનોના બજારને ખુલ્લો અવકાશ છે. આ બજાર મોટું છે તેથી ટેસ્લા પાસે ભારતમાં તેનું ઉત્પાદન એકમ સ્થાપવાની સુવર્ણ તક છે.

સરકારના ઇલેકટ્રીક વાહનો પ્રત્યે જોર આપવાની યોજના હેઠળ નીતિ આયોગે આ ટેક્સ ઘટાડીને 40 ટકા કરવાની સલાહ સરકારને આપી છે. હવે ટેસ્લાના પોર્ટફોલિયો પર નજર કરીએ તો અમેરિકાના ભાવ પ્રમાણે ટેસ્લાની એક માત્ર કાર ટેસ્લા મોડલ સ્ટાન્ડર્ડ રેન્જ પ્લસ જ 40000 ડોલરથી સસ્તી છે.

Most Popular

To Top