નવી દિલ્હી: ટેસ્લાના (Tesla) સીઈઓ એલોન મસ્કએ (Elon Musk) ભારત આવવાની યોજના બનાવી હતી. જે તેમણે હાલ સ્થગિત કરી છે. તેમની મુલાકાત અંગેની આ ખબર તેમણે તેમના એક્સ હેન્ડલ (X handle) ઉપર શેર કરી હતી. મસ્ક આવતા સોમવારે પીએમ મોદીને (PM Modi) મળવાના હતા. તેમજ આ બેઠકમાં મસ્ક ઘણી મોટી જાહેરાતો પણ કરવાના હતા.
એલોન મસ્કે પોતે એક્સ પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ટેસ્લાના માલિક એલોન મસ્ક અત્યારે ભારત નથી આવી રહ્યા અને ટેસ્લાના ત્રિમાસિક પરિણામો વિશે માહિતી આપવા માટે તેઓ 23 એપ્રિલે હાજર રહેશે. તેમજ અગાવ પ્રાપ્ત થયેલી માહિતીઓ મુજબ ઇલોન મસ્ક 21 અને 22 એપ્રિલે પ્રવાસ માટે આવી શકે તેવી પણ સંભાવનાઓ હતી. હવે એલોન મસ્કે ટ્વીટમાં જણાવ્યું છે કે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે.
પીએમ મોદીને મળવાની યોજના હતી
પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું છે કે એલોન મસ્ક સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા અને ટેસ્લાના ભારતમાં લોન્ચ અંગેની જાહેરાત પણ કરવાના હતા, પરંતુ હવે આ યોજના રદ કરવામાં આવી છે. ભારત પ્રવાસ મોકૂફ રાખવાનું કારણ જણાવતા મસ્કે કહ્યું કે તે અત્યારે તેઓ કંપનીના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. આ જાણકારી તેમણે વધુમાં લખ્યું, “દુર્ભાગ્યે ટેસ્લાની જવાબદારીઓને કારણે ભારતની સફર વિલંબિત થઈ છે, પરંતુ હું આ વર્ષના અંતમાં સફર માટે ખૂબ જ આતુર છું.”
ટેસ્લાએ ભારતમાં આટલું રોકાણ કરવાની યોજના બનાવી હતી
એલોન મસ્ક ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની શક્યતાઓ અને દેશમાં મોટા રોકાણને લઈને ભારત આવવાના હતા. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્ક ભારતમાં એક પ્લાન્ટ બનાવવા માટે 2 થી 3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. કારણ કે સરકારે ઈમ્પોર્ટ ટેક્સ પરના ઊંચા ચાર્જને ઘટાડવા માટે નવી પોલિસી જાહેર કરી હતી, પરંતુ શરત એવી હતી કે કંપની સ્થાનિક સ્તરે રોકાણ કરશે તો જ તેનો લાભ મળશે.
આ કાર્યક્રમ 48 કલાકનો હતો
ઈલોન મસ્કનો ભારતમાં કુલ 48 કલાકનો કાર્યક્રમ હતો, જે દરમિયાન ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. ત્યાર બાદ તેઓ સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ લીડર્સને મળવાના હતા. પરંતુ હવે આ પ્રવાસ સ્થગિત થવાથી શિડ્યુલ સંપૂર્ણપણે બદલાઈ જશે તેવી સંભાવના છે.