World

‘ઘાટી છોડી દો નહિ તો…’- આતંકવાદીઓની કાશ્મીરી પંડિતોને ધમકી

શ્રીનગર: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ની હત્યા બાદ હવે તેઓને ધમકી(Threat) ભરેલા પત્ર આપવાની ઘટના સામે આવી છે. આતંકી સંગઠન લશ્કર-એ-ઈસ્લામે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રહેતા કાશ્મીરી પંડિતોને ઘાટી છોડી દેવાની ધમકી આપી છે અને જો તેઓ આ ઘાટી ખાલી નહિ કરીને જાય તો તેમને મારી નાખવાની પણ ધમકી આપી છે.

જમ્મુ-કાશ્મીરમાં સરકારી સેવાઓમાં જોડાયેલા કાશ્મીરી પંડિતો સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા જારી કરાયેલા એક પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિતોએ ઘાટી છોડી દેવી જોઈએ અથવા મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. આ પરિવહન આવાસમાં રહેતા મોટાભાગના કાશ્મીરી પંડિતો સરકારી નોકરી કરે છે.

પોસ્ટરમાં આ બાબતો લખી હતી
પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, ‘તમામ સ્થળાંતર કરનારા અને આરએસએસના એજન્ટો ઘાટી છોડી દે અથવા મોતનો સામનો કરવા તૈયાર રહે. એવા કાશ્મીરી પંડિતો જે કાશ્મીરને બીજું ઈઝરાયલ બનાવવા માંગે છે અને કાશ્મીરી મુસ્લિમોને મારી નાખવા માંગે છે તો માટે અહિયા કોઈ જ જગ્યા નથી. તમારી સુરક્ષા બે ગણી કે ત્રણ ગણી કરી દો. ટાર્ગેટ કિલિંગ માટે તૈયાર રહો, તમે મરી જશો. આ પોસ્ટર હવાલ ટ્રાન્ઝિટ એકમોડેશનના ચેરમેનને સંબોધીને લખવામાં આવ્યું છે.

હાલમાં જ એક કાશ્મીરી પંડિતની કરાઈ હતી હત્યા
હાલમાં જ જમ્મુ-કાશ્મીરના બડગામમાં મહેસૂલ વિભાગના એક અધિકારીને આતંકવાદીઓએ ગોળી મારી હતી. તહસીલ ઓફિસમાં આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. રાહુલ એક કાશ્મીરી પંડિત હતો જે લાંબા સમયથી મહેસૂલ વિભાગમાં કામ કરતો હતો. આતંકવાદીઓએ તહસીલ ઓફિસમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.

ઘટનાના 24 કલાકમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા
જો કે આ ઘટનાના 24 કલાકમાં જ બાંદીપોરામાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ ફૈઝલ અને સિકંદર તરીકે થઈ હતી. બંને પાકિસ્તાની છે. ત્રીજો આતંકવાદી ગુલઝાર અહેમદ છે, જેની ઓળખ 11 મેના રોજ થઈ હતી.

Most Popular

To Top