National

ડોડામાં આતંકીનો મદદગાર શૌકત અલી ઝડપાયો, પાકિસ્તાન સાથે છે કનેક્શન

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ડોડા જિલ્લામાં 15 જુલાઈના રોજ થયેલા આતંકી હુમલામાં 4 જવાનોના બલિદાન બાદ ગઇકાલે વધુ એક આતંકી હુમલો થયો હતો. આ હુમલો કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં થયો હતો. ગઇકાલે ગુરુવારે થયેલા આ હુમલામાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. ત્યારે આ અથડામણ વચ્ચે ભારતીય સેનાને (Indian Army) મોટી સફળતા સાંપડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની તાજેતરની ગતિવિધિઓ પછી, સુરક્ષા દળો આતંકવાદીઓને સક્રિય રીતે શોધી રહ્યા હતા. ત્યારે સેનાના 4 જવાનોને મારનાર આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોએ સતત પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન ડોડામાંથી આતંકીઓના એક મદદગાર શૌકત અલીની ધરપકડ કરવામાં આવી છે જેણે આતંકીઓને ઘણી સુવિધાઓ પૂરી પાડી હતી. ત્યારે પોલીસે શૌકત અલી નામના આ વ્યક્તિ પર સોમવારે એન્કાઉન્ટર પહેલા ઘણા દિવસો સુધી આતંકીઓને આશ્રય આપવાનો અને તેમને ઇન્ટરનેટ આપવાનો આરોપ લગાવ્યો હતો.

પાકિસ્તાન સાથે Wi-Fi દ્વારા વાતચીત કરવામાં આવી હતી
અહેવાલો અનુસાર શૌકતે પોતાના ઘરના વાઈ-ફાઈ દ્વારા આતંકીઓને પાકિસ્તાનમાં તેમના માસ્ટર્સ સાથે વાત કરાવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં શૌકતને પકડવો એ મોટી સફળતા છે કારણ કે આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. ડોડામાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ સેનાએ આજે ​​પાંચમા દિવસે પણ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાના બે હજાર જવાનોએ 170 કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

‘ટૂંક સમયમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવશે’- ડોડા રેન્જ ડીઆઈજી
જણાવી દઈએ કે આ ઓપરેશનમાં BSF અને જમ્મુ કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી ગાઢ જંગલોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન ડોડા કિશ્તવાડ રામબન રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે કહ્યું હતું કે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે બે એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે અને સુરક્ષા દળો આતંકવાદીઓની ખૂબ નજીક છે. ડીઆઈજીએ કહ્યું કે તેમને ટુંક સમયમાં મારી નાખવામાં આવશે.

Most Popular

To Top