ગાંધીનગર : ગુજરાત એટીએસ દ્વારા રિમાન્ડ પર લેવાયેલા હૈદરાબાદના જેહાદી આતંકીઓની સધન પુછપરછ શરૂ કરાઈ છે, જેમાં બાયોકેમિકલ શસ્ત્રનો ઉપયોગ કરીને હુમલો કરવાનું કાવતરૂ ઘડાયુ હોવાની વિગતો બહાર આવી છે.
ખાસ કરીને આ બાયોકેમિકલ શસ્ત્રમાં રાઈઝીનનો ઉપયોગ કરવાનો હતો.ગુજરાત એટીએસે ત્રણ ISIS આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. તેઓ દેશના વિવિધ સ્થળોએ હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને શસ્ત્રો એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યા હતા.
- ગુજરાતમાંથી પકડાયેલા ત્રાસવાદીઓએ દિલ્હીની આઝાદ મંડીની રેકી કરી હતી
- લખનૌના RSSના કાર્યાલયની પણ રેકી કરી હતી
- શસ્ત્રો એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યા હતા
હૈદરાબાદના જેહાદી ડૉકટર અહેમદ મોહિયુદ્દિન સૈયદે દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી. તેઓએ લખનઉમાં RSSના કાર્યાલયની પણ રેકી કરી હતી. દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની પણ રેકી કરી હતી. તો અમદાવાદમાં પણ ભીડવાળી જગ્યાની રેકી કરી હોવાની માહિતી સામે આવી છે.
આ આતંકીઓએ તમામ સ્થળોની રેકી કરીને તેના વીડિયો બનાવ્યા હતા, અને તેને બાદમાં પાકિસ્તાન મોકલ્યા હતા. પાકિસ્તાનમાં રહેલા તેમના આકાઓને વીડિયો મોકલ્યા હતા. જેહાદીઓ તત્વો પાસેથી મળેલા રાઈઝીન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેમદ મોહિનુદ્દિન સૈયદ અફધાનિસ્તાન સ્થિત આઈએસઆઈએસ ના ‘અબુ ખદીજા’ નામના વ્યક્તિના સંપર્કમાં હતો, જે અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને ISIS-K (Islamic State Khorasan Province) સંગઠન સાથે જોડાયેલ છે. અહમદના પાકિસ્તાન સાથેના કેટલાક સંપર્કો પણ હોવાના પુરાવા ATSને મળ્યા છે.
એટીએસના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ , હૈદરાબાદના આતંકીઓ રાઈઝીન નામનું ઝેર વિકસાવી રહ્યા હતા, જેનો તેઓ હજારો લોકોને મારવાનો ઇરાદો ધરાવતા હતા.આતંકવાદી અહેમદ સૈયદ તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે ઘણા દિવસોથી રિસિન ઝેર (રિસિન એ એરંડાના બીજમાંથી કાઢવામાં આવતું અત્યંત ઝેરી પ્રોટીન છે)એકત્રિત કરી રહ્યો હતો.
રાઈઝીન એ એરંડાના કચરામાંથી બનેલું એક ઘાતક રાસાયણિક ઝેર છે. શ્વાસમાં લેવામાં આવે કે ઇન્જેક્ટ કરવામાં આવે તો પણ થોડી માત્રા જીવલેણ બની શકે છે. તેના લક્ષણોમાં પેટમાં દુખાવો, ઉલટી અને ફેફસાં ફાટી જવાનો સમાવેશ થાય છે. જેના કારણે ખુબ ઓછા કલાકોમાં વ્યકિત્તનું મૃત્યુ થઈ શકે છે.
આતંકવાદી અહેમદ હૈદરાબાદમાં એક હોટલનો માલિક પણ છે. તે 2008 થી 2013 સુધી ચીનમાં રહેતો હતો અને ત્યાં MBBSનો અભ્યાસ કરતો હતો. અહેમદ અનેક આતંકવાદી સંગઠનો સાથે સતત સંપર્કમાં હતો. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદી અને ISKPના હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં હતા. જો કે આ સંભવિત આતંકી હુમલો ગુજરાત એટીએસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.