ગઈ તા. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો થયો હતો. ઘટનાના આટલા દિવસો વીતી ગયા બાદ પણ હજુ સુધી હુમલાખોર આતંકવાદીઓ પકડાયા નથી અને વધુ નવાઈની વાત એ છે કે આતંકવાદીઓ હજુ પણ કાશ્મીરમાં જ છુપાયા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ હુમલો કરનારા આતંકવાદીઓ હજુ પણ દક્ષિણ કાશ્મીરના ગાઢ જંગલોમાં છુપાયેલા હોવાની શક્યતા છે. આ આતંકવાદીઓ પોતાની સાથે ખોરાક અને અન્ય જરૂરી સામગ્રી રાખી છે, જેના કારણે તેઓ લાંબા સમય સુધી જંગલોમાં છુપાઈ શક્યા છે.
ભારતીય સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર ખાસ કરીને અનંતનાગ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઉપરાંત આતંકવાદીઓની ઓળખ પણ કરવામાં આવી છે, જેમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ અલી ભાઈ (ઉર્ફે તલ્હા) અને હાશિમ મુસા (ઉર્ફે સુલેમાન) તેમજ એક સ્થાનિક લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી આદિલ હુસૈનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હુમલાની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આતંકવાદીઓએ હુમલા પહેલા 15 એપ્રિલે બૈસરન વેલી અને અન્ય ત્રણ સ્થળોની રેકી કરી હતી.
સુરક્ષા દળો ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સ્થાનિક આદિવાસી સમુદાયોની મદદથી આતંકવાદીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ડિવાઇસ અને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમનું લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
NIA દ્વારા 2500થી વધુ લોકોની પૂછપરછ કરાઈ
ગૃહ મંત્રાલય (MHA) ના આદેશ પર NIAએ 26 એપ્રિલ, 2025ના રોજ આતંકવાદી હુમલાની તપાસની જવાબદારી સત્તાવાર રીતે સંભાળી હતી. NIAએ 23 એપ્રિલે હુમલાના સ્થળ બૈસરન વેલીની મુલાકાત લીધી હતી અને જમ્મુ-કાશ્મીર પોલીસને તપાસમાં સહાય કરવાનું શરૂ કર્યું હતું. NIAએ સ્થાનિક ફોટોગ્રાફરના વીડિયો, એક આર્મી લેફ્ટનન્ટ કર્નલની સાક્ષી, અને ફોરેન્સિક પુરાવા (AK-47 અને M4 રાઇફલના કારતૂસ)નો ઉપયોગ કરીને હુમલાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
એનઆઈએ દ્વારા ચાર આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી, જેમાં ત્રણ પાકિસ્તાની નાગરિકોઅલી ભાઈ (ઉર્ફે તલ્હા), હાશિમ મુસા (ઉર્ફે સુલેમાન) અને અસીફ ફૌજી અને એક સ્થાનિક આદિલ હુસૈન (અનંતનાગનો, 1992માં જન્મેલો)નો સમાવેશ થાય છે.
NIAએ આશરે 20 OGWsની ઓળખ કરી, જેમાંથી ઘણાની ધરપકડ કરવામાં આવી છે. 2500થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી અને 186 લોકો હજુ કસ્ટડીમાં છે. NIAએ અનંતનાગ, પુલવામા, કુપવાડા, હંદવાડા, ત્રાલ, સોપોર, બારામુલ્લા, અને બાંદીપોરામાં રેઇડ્સ કરી, જેમાં હુરિયત કોન્ફરન્સ અને જમાત-એ-ઇસ્લામી જેવા પ્રતિબંધિત સંગઠનોના સભ્યોના ઘરોની તપાસ કરવામાં આવી. NIAના ડિરેક્ટર જનરલ સદાનંદ ડેટે એ પણ ગઈ તા. 1 મે, 2025ના રોજ હુમલાના સ્થળની મુલાકાત લીધી અને તપાસની સમીક્ષા કરી.
હુમલામાં 26 લોકો માર્યા ગયા
ગઈ તા. 22 એપ્રિલના રોજ પહેલગામના મિની સ્વિત્ઝરલેન્ડ બેસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિક હતા. પહેલાં આ હુમલાની રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)નું પ્રોક્સી માનવામાં આવે છે તેણે જવાબદારી લીધી પરંતુ ચાર દિવસ બાદ તેનો દાવો પાછો ખેંચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ 15 એપ્રિલે બૈસરન વેલી, આરુ વેલી, બીટાબ વેલી, અને સ્થાનિક અમ્યુઝમેન્ટ પાર્કની રેકી કરી હતી.