ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. અહીં એક આતંકવાદીએ ચાકુ વડે હુમલો કરીને 4 લોકોને ઘાયલ કર્યા છે.
ઈઝરાયેલ પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો કરનાર આતંકવાદી અબ્દેલ અઝીઝ કદ્દી મોરોક્કનો નાગરિક છે. તેની પાસે અમેરિકન ગ્રીન કાર્ડ પણ છે. જોકે, હુમલાને અંજામ આપ્યા બાદ ઈઝરાયેલ પોલીસે આતંકીને ઠાર માર્યો હતો. હુમલાખોર પાસેથી એક આઈડી પણ મળી આવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ સુરક્ષા એજન્સી શિન બેટના અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી અબ્દેલ અઝીઝને ઈઝરાયેલમાં પ્રવેશ કરતી વખતે સુરક્ષાકર્મીઓએ રોક્યો હતો પરંતુ બાદમાં તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે શંકા હોવા છતાં તેને એન્ટ્રી કેમ આપવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદી 18 જાન્યુઆરીએ પ્રવાસી વિઝા પર ઈઝરાયેલમાં પ્રવેશ્યો હતો. ઈઝરાયેલમાં ત્રણ દિવસમાં આ બીજો આતંકવાદી હુમલો છે, જેમાં હુમલાખોરે નાગરિકોને ચાકુ માર્યા છે.
ઈમિગ્રેશન અધિકારીઓએ તેને ખતરો ગણાવ્યો હતો
ઇઝરાયેલની એમ્બ્યુલન્સ સેવા મેગેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ હુમલો તેલ અવીવના નહલાત બિન્યામીનમાં થયો હતો. છરીના હુમલામાં ઘાયલ થયેલા ચાર લોકોમાંથી બે યુવકો 24 અને 28 વર્ષના છે જ્યારે અન્ય બે યુવકો 24 અને 59 વર્ષના છે.
ગૃહમંત્રી મોશે અરબેલે કહ્યું કે જ્યારે અબ્દેલ અઝીઝ બેન ગુરિયન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ તેને ખતરો ગણાવ્યો હતો. તેને પ્રવેશતા રોકવાની માંગ સાથે પૂછપરછ માટે સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. પરંતુ તે દુઃખદ છે કે સુરક્ષા અધિકારીઓએ તેને ઈઝરાયેલમાં પ્રવેશવાની મંજૂરી આપી.
ભાગી રહેલા લોકોમાંથી એકને શિકાર બનાવ્યો
શિન બેટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલમાં પ્રવેશતા સમયે સુરક્ષા મૂલ્યાંકન કરાવ્યું હતું, જેમાં પૂછપરછ તેમજ વધારાની તપાસનો સમાવેશ થાય છે. આખરે નિર્ણય લેવામાં આવ્યો કે તપાસ દરમિયાન સુરક્ષાના કારણોસર તેમના પ્રવેશને રોકવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પહેલા ત્રણ લોકોને ચાકુ માર્યા હતા. ઘટના બાદ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા પરંતુ આતંકીએ ભાગી રહેલા લોકોમાંથી એકને ઠોકર મારી દીધી હતી. આ રીતે આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. જોકે, તે અન્ય કોઈને નિશાન બનાવી શકે તે પહેલા ઈઝરાયેલ પોલીસ દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી.
