Charchapatra

સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર હનુક્કા તહેવારની ઉજવણી કરતાં યહુદીઓ પર આતંકીવાદી પિતા (સાજીદ અકરમ) અને પુત્ર (નાવિદ)એ હુમલો કરી 16 જણાની હત્યા કરી નાખી અને 40થી વધુ લોકોને ઇજા થઇ. યહુદીઓના હનુક્કા તહેવારને આસ્થા, સંઘર્ષ અને ધાર્મિક સ્વતંત્રતા તથા પ્રકાશના તહેવાર તરીકે ઉજવાય છે. આ હુમલા દરમિયાન એક આતંકીને પકડીને તેના હાથમાંથી રાઇફલ છીનવી લેનાર સીરીયાના યુવાન અહમદ અલ અહમદની બહાદુરીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તે આતંકી તરફ ગયો ત્યારે તેણે તેના કઝીનને કહેતો ગયો કે હું મરવા જાઉં છું. મને કંઇ થાય તો મારા ફેમિલીને કહેજે કે હું લોકોના જીવ બચાવવા ગયો હતો.

અહમદે સિરીયામાં ગૃહયુધ્ધ જોયું હતું તેથી જ તે શાંતિથી જીવન જીવવા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તેના બહાદુરીપૂર્વકના આ કૃત્યથી ઘણાં લોકો મૃત્યુથી બચી ગયાં. આતંકી નાવિદની માતા વેરેના ગ્રોસો (મૂળ ઇટાલિયન) કહે છે કે મારો નાવિદ નિર્દોષ છે. મારા પતિ સાજીદ અને પુત્ર નાવિદ તો ફિશીંગ માટે ગયા હતા. શું હવે આપણે આવા જ વિશ્વમાં જીવવાનું રહેશે કે જ્યાં આતંકી હુમલાઓ દ્વારા નિર્દોષ માણસોની હત્યા થતી રહેશે. કોઇ પણ ધર્મમાં નિર્દોષોની હત્યા સ્વીકાર્ય નથી. આ વિશ્વમાં શાંતિ એક સ્વપ્ન જ હશે!
યુ.એસ.એ.- ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top