ન્યૂ ઓર્લિયન્સ: ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષના દિવસે વહેલી સવારે એક વાહન ઉમંગભેર ઉજવણી કરી રહેલા લોકોના ટોળામાં પૂરપાટ ઝડપથી ઘૂસી ગયું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 35 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની એફબીઆઈ ત્રાસવાદના કૃત્ય તરીકે તપાસ કરી રહી છે.
- ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા ટોળામાં એક વાહન ઘુસી ગયું
- 35 લોકો ઈજાગ્રસ્ત થયા, પોલીસ સાથેની અથડામણમાં વાહનનો ડ્રાઈવર માર્યો ગયો
- પોલીસે કહ્યું આ ઈરાદાપૂર્વક કરાયેલું કૃત્ય, એફબીઆઈ ત્રાસવાદી કૃત્ય તરીકે ઘટનાની તપાસ કરશે
શહેરના વ્યસ્ત ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર બુધવારે સવારે 3.15 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા બાદ પોલીસ સાથેની અથડામણમાં વાહનનો ડ્રાઈવર માર્યો ગયો હતો, એમ એફબીઆઈએ જણાવ્યું હતું. વાહન ઉભું રાખ્યા બાદ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર આવ્યો અને પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો અને ડ્રાઇવરને મારી નાખ્યો હતો.
બે અધિકારીઓને ગોળી વાગી હતી અને તેઓની હાલત સ્થિર છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ કમિશનર એન્ને કીર્કપેટ્રીકે કહ્યું હતું કે ઈરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર બની શકે તેટલા લોકો પર વાહન ચઢાવવા માગતો હતો. આ વિસ્તાર નવા વર્ષની ઉજવણી માટેનું સૌથી મોટું સ્થળ છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડેનને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બાઈડેને કહ્યું એફબીઆઈ આ ભયાવહ ઘટનાની ત્રાસવાદી કૃત્ય તરીકે આ હુમલો સામૂહિક હિંસા કરવા માટે હથિયાર તરીકે વાહનનો ઉપયોગ કરવામાં આવે છે તેનો તાજો દાખલો છે, એક વલણ કે જેણે કાયદા અમલીકરણ અધિકારીઓને ચિંતામાં મૂક્યા છે અને તેની સામે રક્ષણ કરવું મુશ્કેલ હોઈ શકે છે.
એક 50 વર્ષીય સાઉદી ડૉક્ટર ગયા મહિને જર્મન શહેર મેગડેબર્ગમાં રજાના ખરીદદારોની ભીડવાળી ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગયો હતો, જેમાં ચાર મહિલાઓ અને એક 9 વર્ષના છોકરાનું મોત થયું હતું.
એફબીઆઈને આઈઈડી મળ્યું
એફબીઆઈના અધિકારી એલેથીયા ડનકેને કહ્યું હતું કે અધિકારીઓને ઘટનાસ્થળથી ઓછામાં ઓછું એક શંકાસ્પદ આઈઈડી મળી આવ્યું હતું. તપાસકર્તાઓ વિસ્તારમાં વધુ આઈઈડીની શોધ કરી રહ્યા હતા જો કે અધિકારીઓએ વધુ વિગતો આપી ન હતી.
રાત્રે ફુટબોલ મેચ થવાની હતી
જ્યારે હુમલો થયો ત્યારે બોર્બોન સ્ટ્રીટ 2025ની શરૂઆતની ઉજવણી કરતા લોકોથી ભરેલી હતી. ન્યુ ઓર્લિયન્સમાં બુધવારની રાતે નંબર 2 જ્યોર્જિયા અને નંબર 3 નોટ્રે ડેમ વચ્ચેની સુગર બાઉલ કોલેજ ફૂટબોલ પ્લેઓફ રમતની અપેક્ષામાં ભીડ ઉમટી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રમત નિર્ધારિત શેડ્યુલ મુજબ ચાલશે.
એક મૃતદેહ મારી તરફ ફંગોળાયો: સાક્ષી
એક સાક્ષીએ જણાવ્યું હતું, ‘મેં જોયું કે બોર્બોન ફૂટપાથની ડાબી બાજુએ એક ટ્રક દરેકને ઉડાવતી ઘુસી આવી હતી. એક શખ્સનો મૃતદેહ મારી તરફ ઉડતો આવ્યો. બનાવના તુરંત બાદ જ ગોળીબાર પણ સંભળાયો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ઘટના સ્થળ પર અફરાતફરી મચેલી છે અને પૃષ્ઠભૂમિમાં ગોળીબારનો અવાજ આવી રહ્યો છે.