ગુજરાત એટીએસએ ગઈ તા. 25 જાન્યુઆરી 2026ના રોજ નવસારીમાંથી એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. આ આતંકી જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગુજરાત એટીએસ અનુસાર નવસારીના ચારપુલ વિસ્તારમાં રહેતા ફૈઝાન શૈખને પકડવામાં આવ્યો છે. તે મૂળ યુપીના રામપુરમાં નરપત નગરના ડુંડાવાલા વિસ્તારનો વતની છે. તે આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાની ચોક્કસ માહિતી મળતા તેના આધારે તેની ધરપકડ કરાઈ છે. તે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનો સાથે જોડાયેલો છે. તેની પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે.
ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ, તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા.
આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર પણ મેળવ્યા હતા. હાલ ATSએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હથિયારો કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે.