Charchapatra

આતંકવાદ હજુ ખતમ થયો નથી

ભલે મોદી સરકાર જોરશોરથી બણગાં ફૂંકે કે અમે આતંકવાદ ઉપર કાબૂ મેળવ્યો છે, પરંતુ આ બધા પોકળ દાવાઓ સાબિત થાય છે. આતંકવાદને નાથવાનું કામ એ કાંઈ સહેલું નથી. દરરોજ અખબારનાં પાનાં ખોલતાં ક્યાંક ને ક્યાંક નક્સલી કે આતંકવાદી હુમલાના સમાચારો વાંચવા મળે છે. આતંકવાદીઓ આતંક ફેલાવીને ભારત દેશને ખોખલો કરવાની હીન અને જઘન્ય પ્રવૃત્તિ કરે છે.

આપણી સરહદો પણ માત્ર કાંટાળી વાડ બનાવીને કરવામાં આવી છે અને સરહદો પણ એટલી બધી લાંબી છે કે આતંકવાદીઓ કઈ જગાએથી ઘૂસ મારશે એ લશ્કરના જવાનો અને અધિકારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થાય છે. આતંકવાદીઓ તો માથે કફન બાંધીને અને મોતને મુઠ્ઠીમાં રાખીને ફરતાં હોય છે અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરે છે.

 તો બીજી તરફ એક જવાન તૈયાર કરવામાં સરકારને કેટલો બધો આર્થિક બોજો પડે છે. દર વર્ષે સરકાર દેશના સંરક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ નક્કી કરે છે. જ્યારે આપણા નૌજવાનો પોતાનું ઘર, પરિવાર, પત્ની બાળકો તથા માતાપિતાને છોડીને પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર મા ભોમની રક્ષા કાજે ૨૪ કલાક ખડે પગે તૈયાર રહે છે. જો આપણા જવાનો આપણી રક્ષા ન કરતાં હોત તો આતંકવાદીઓએ ક્યારનોય આપણા દેશ ઉપર કબજો જમાવી દીધો હોત. આના માટે આપણા જવાનોને સલામી આપવી ઘટે. પરંતુ જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે આપણા જવાનો શહીદ થાય છે અથવા બૂરી રીતે જખ્મી થઈને કાયમ માટે અપાહજ બની જાય છે.

જવાનની શહીદીથી એનો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે. સરકારી અને લશ્કરી અધિકારીઓ ચાર દિવસ સુધી સરકારી પ્રોટોકોલ નિભાવી એ શહીદને ભૂલી જાય છે. મા ભોમ કાજે જેણે હસતાં હસતાં પોતાના પ્રાણની આહુતિ આપી એવા નરબંકા શહીદના પરિવારની કોઈ કદર કે દરકાર કરતું નથી. બીજું જેટલા પ્રમાણમાં જવાનો શહીદ થાય છે એટલા પ્રમાણમાં નવા જવાનોની ભરતી થતી નથી અને લશ્કરી તાલીમ પણ એટલી બધી આકરી અને કડક હોય છે કે આજનું યુવાધન લશ્કરી નોકરી મેળવવાનું ટાળે છે. સરકાર ભલે આતંકવાદને કાબૂ કરવાના ભરચક પ્રયાસ કરે, પરંતુ એમાં સફળતા મળવાની શક્યતા બહુ ઓછી છે કારણકે આપણી સરહદો ઘણી લાંબી અને મજબૂત દિવાલો વગરની છે. આતંકવાદીઓ ઊંડી ખાઈ અને ખીણમાં ક્યાં સંતાયા છે એ શોધવું ઘણું અઘરું છે.

ઉપરાંત આપણા લશ્કરમાં અમુક દેશદ્રોહીઓ લશ્કરની કાર્યવાહીની ગુપ્ત માહિતી દુશ્મનોને પહોંચાડે છે. વળી આપણાં પાડોશી દેશો પણ ત્રાસવાદને પોષે છે અને ભારત વિરુદ્ધ ભડકાવવામાં આગમાં ઘી રેડવાનું કામ કરે છે. આમ આતંકવાદને નેસ્તનાબૂદ કરવો એ સહેલી વાત નથી. પરંતુ દુ:ખ એ બાબતનું છે કે આતંકવાદીઓના હિચકારા કૃત્યથી નિર્દોષ જવાનો શહીદ થાય છે અને એમના પરિવારનો માળો વેરવિખેર થઈ જાય છે.
હાલોલ- યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top