SURAT

ઉનમાં રખડતા શ્વાનોનો આતંક, 2 વર્ષની બાળકી પર હુમલો,CCTVમાં કેદ દ્રશ્યો જોઈ કંપી ઉઠ્યું શહેર

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો વધતો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ઉન વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થાને સવાલોના ઘેરામાં મૂકી દીધી છે. માત્ર 2 વર્ષની માસૂમ બાળકી પર થયેલા શ્વાનના હુમલાના દ્રશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે, જે જોઈને કોઈપણ વ્યક્તિનું દિલ દ્રવી ઉઠે,સુરત ના ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસીડેન્સીમાં રહેતી 2 વર્ષની અયાત મુનફિદ સૈયદ સવારે પોતાની સોસાયટીના ગેટ નજીક નિર્દોષ રીતે રમતી હતી. તેના પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય દિવસની જેમ બધું શાંત હતું, પરંતુ થોડા જ પળોમાં પરિસ્થિતિ ભયાનક બની ગઈ.

રમતમાં મસ્ત અયાત ગેટની બહાર બે પગલું આગળ વધતા જ ત્રણ જેટલા રખડતા શ્વાન અચાનક તેની તરફ દોડી આવ્યા. બાળકી કંઈ સમજે તે પહેલાં જ એક શ્વાને તેના સાથળના ભાગે બચકું ભરી લીધું. માસૂમના રડવાના ચીસોથી સોસાયટીમાં હાહાકાર મચી ગયો. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને શ્વાનોને ભગાડ્યા,ગભરાયેલા પરિવારજનોએ સમય ન બગાડતા બાળકી ને નજીકની હોસ્પિટલમાં ખસેડી. તબીબોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને એન્ટી-રેબિસ રસી આપી.હાલ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે,પરંતુ આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.

આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક રહીશો પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે રખડતા શ્વાનોના નિયંત્રણ માટે યોગ્ય કામગીરી થતી નથી. વારંવારની ફરિયાદો છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કડક પગલાં લેવાતા નથી.પ્રશ્ન એ છે કે શહેરના નિર્દોષ બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી કોણ લેશે? શું પાલિકા દ્વારા શ્વાનોના ખસીકરણ અને રસીકરણની કામગીરી પૂરતી અસરકારક છે?ઉનની આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર શહેર માટે ચેતવણી સમાન છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં બને, તો આવી હૃદયદ્રાવક ઘટનાઓ ફરી બનતી અટકશે કેવી રીતે?

Most Popular

To Top