National

VIDEO: ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલન, પહાડ તુટ્યો, બદરીનાથ હાઈવે બંધ

નવી દિલ્હી: ઉત્તરાખંડમાંથી ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ઉત્તરાખંડના ચમોલીમાં આજે તા.10 જુલાઈના રોજ બુધવારે મોટા ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનોની અવરજવરમાં વિક્ષેપ પડ્યો છે. આ મોટો ભૂસ્ખલન ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં થયો છે. 37 સેકન્ડના વીડિયોમાં પહાડીનો મોટો ભાગ તૂટીને રોડ પર પડતો જોવા મળે છે. લોકો ગભરાઈને બૂમો પાડતા અને ભાગતા સાંભળી શકાય છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પર્વતનો એક વિશાળ હિસ્સો તુટીને જમીન પર પડે છે, જેમાં બંને બાજુ લોકો દેખાય છે. વાયરલ વીડિયોમાં પહાડીનો મોટો ભાગ તૂટીને રોડ પર પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર આ ઘટના જોશીમઠના ચુંડુ ધારમાં બની હતી. વિડિયોમાં કેટલાક પ્રવાસીઓ પોતાના મોબાઈલ ફોનમાં વિનાશને કેદ કરતા પણ જોવા મળે છે. જ્યારે અન્ય લોકો ગભરાઈને બૂમો પાડીને સલામત સ્થળો તરફ ભાગતા જોવા મળે છે.

ડરામણા વીડિયોમાં પહાડી પરથી કાટમાળની સાથે મોટા મોટા પથ્થરો પડતા જોવા મળે છે. ભૂસ્ખલનનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડ પોલીસના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલ ગંગા લાંગસી ટનલ પાસે પહાડી પરથી ભૂસ્ખલન થવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.

ભૂસ્ખલનને કારણે રોડની બંને બાજુ સેંકડો લોકો અને વાહનો ફસાઈ ગયા હતા. બદ્રીનાથ નેશનલ હાઈવે બુધવારે સવારથી બંધ છે. ગુરુવારે જ્યારે અધિકારીઓ કાટમાળ હટાવી રહ્યાં હતાં ત્યારે ફરી એકવાર ભુસ્ખલન થયું હતું, જેના કારણે અધિકારીઓનું કામ વધી ગયું હતું.

આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચોમાસાના આગમન બાદ મુશળધાર વરસાદ ચાલુ છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ચારધામ સહિતના પર્વતીય માર્ગો પર મુસાફરોની મુશ્કેલી વધી છે. જો અહેવાલોનું માનીએ તો ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 200 થી વધુ રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકી પડ્યો છે.

Most Popular

To Top