Comments

તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં

સૌ જાણે છે એમ આધુનિક ઓલિમ્પીક્સ રમતો દર ચાર વર્ષે વિશ્વનાં વિવિધ નગરોમાં યોજવામાં આવે છે. ગ્રીસના પ્રાચીન નગર ઓલિમ્પીઆમાં અગાઉ યોજાતો આ રમતોત્સવ નવેસરથી ઈ.સ.1896માં આરંભાયો. ત્યારથી આજ સુધી આ રમતો ગમે એવી વૈશ્વિક કટોકટી દરમિયાન પણ યોજાતી રહી છે. 1994થી તેનું ઉનાળુ અને શિયાળુ રમતોમાં વિભાજન કરાયું છે, જેનું આયોજન દર બે વરસે વારાફરતી થતું રહે છે.

એ અનુસાર હાલ 33મો ઉનાળુ ઓલિમ્પીક્સ રમતોત્સવ પેરિસમાં યોજાયો. આ રમતોમાં વિશ્વભરના દેશોના ખેલાડીઓ ભાગ લે છે, પોતાની શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કરે છે, હારજીત થતી રહે છે, પણ સરવાળે ખેલભાવનાનો પ્રસાર થતો રહે છે. ‘ખેલભાવના’અથવા તો ‘ખેલદિલી’એટલે શું? આ શબ્દની અર્થચ્છાયા એટલી બધી વ્યાપક બની રહી છે કે તેનો ઉપયોગ રમતેતર ક્ષેત્રોમાં પણ છૂટથી થતો રહ્યો છે. સાચી રીતે સમજીએ તો ‘ખેલદિલી’એટલે એવી ભાવના કે જેમાં ખરું મહત્ત્વ રમતનું હોય. એટલે કે રમત તેની પૂરી નૈતિકતા, આદર અને વાજબીપણા સાથે રમાય. સ્પર્ધકો એટલે હરીફ નહીં, પણ સાથીદાર એમ માનીને ચાલવું. પરિણામની હારજીત મહત્ત્વની નથી.

હારનાર એટલે એ કે જે પોતાની હારને વ્યક્તિગત હાર તરીકે જુએ છે, તેને પચાવી શકતો નથી. જીતનાર એવી વ્યક્તિ છે કે જે હારનાર પ્રત્યે પણ સમભાવ રાખે અને એક સારી રમત રમાયાનો આનંદ લે. આ બાબત કહેવામાં કેટલી સરળ અને વ્યવહારમાં કેટલી અઘરી છે એ ક્રિકેટઘેલા આપણા દેશમાં સહેલાઈથી સમજી શકાશે. પાકિસ્તાન સાથે રમાતી પ્રત્યેક ક્રિકેટ મેચ વખતે જાણે કે યુદ્ધમોરચે જવાનું હોય એવો ઉન્માદ બેય દેશના ચાહકોમાં જોવા મળે છે, જે ખેલની મૂળ ભાવનાથી ક્યાંય દૂર છે.

અલબત્ત, આ મામલે કેવળ ક્રિકેટને કે ભારત-પાકિસ્તાન એકલાને દોષ દઈ શકાય એમ નથી. 1936માં જર્મનીના બર્લિનમાં યોજાયેલી ઓલિમ્પીક્સમાં અમેરિકન શ્યામવર્ણા રમતવીર જેસી ઓવેન્સેછ ટ્રેક એન્ડં ફિલ્ડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. એક વાયકા અનુસાર તત્કાલીન જર્મન સરમુખત્યાર એડોલ્ફ હીટલરે એક અનાર્ય ખેલાડી વિજેતા બન્યો હોવાથી તેને અભિનંદન આપવા માટે હાથ મિલાવ્યા નહોતા. અલબત્ત, હકીકત એ હતી કે હીટલરે એ વખતે એક પણ વિજેતા સાથે હાથ મિલાવ્યા નહોતા.

આ ઘટના જાણીતી છે, પણ ઓછી જાણીતી ઘટના એ છે કે ઓવેન્સએના અમેરિકા પરત ફર્યા પછી તત્કાલીન અમેરિકી પ્રમુખ ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટે તેમને અભિનંદન પાઠવતો તાર મોકલવાનું સૌજન્ય સુદ્ધાં દાખવ્યું નહોતું. હદ તો એ હતી કે વ્હાઈટ હાઉસમાં ભોજન માટે પણ કેવળ શ્વેત અમેરિકન ખેલાડીઓને જ નોંતરવામાં આવેલા, અને તમામ અઢાર શ્યામવર્ણા અમેરિકન ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. આમ, જે રમતોત્સવનો મૂળભૂત હેતુ ખેલભાવનાના પ્રસારનો છે એને જાળવવામાં રાષ્ટ્રોના વડા ઊણા ઉતરે છે એમ લાગ્યા વિના રહે નહીં.

રાષ્ટ્રોના વડા આવી ગ્રંથિથી ગ્રસ્ત હોય એ અજુગતું લાગે, પણ કદાચ નવાઈ ન લાગે. જો કે, આવી ચેષ્ટા સમગ્ર લોકો દ્વારા થાય એ લક્ષણ બરાબર નથી. 2024ના પેરિસ રમતોત્સવમાં એક ઘટના એવી બની. ફેન્સિંરગ એટલે કે તલવારબાજીની રમતમાં ઈટાલીનું પ્રભુત્વ જાણીતું છે. આ વખતે હોંગકોંગના ચંગ કા લોન્ગ્ નામના ખેલાડીએ ઈટાલીના ફીલીપો માકીને હરાવ્યો. હાર સ્વીકારવાને બદલે ‘ઈટાલિયન ફેન્સિંરગ ફેડરેશન’દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી. બસ, આ મામલે હોંગકોંગ અને ઈટાલી જાણે કે સામસામા આવી ગયા, પણ જરા જુદા મોરચે! હોંગકોંગ અને મેકાઊમાં આવેલી ‘પીઝા હટ’ની શાખાઓએ જીતની ઉજવણીરૂપે ત્યાંના લોકોને પીઝા પર અનાનસનું ‘ટૉપિંગ’નિ:શુલ્ક પૂરું પાડ્યું.

આ ઉપરાંત પાસ્તા સાથે સોયા સૉસ પણ! આ બાબત જરા સમજવા જેવી છે. સૌ જાણે છે એમ પીઝા મૂળભૂત રીતે ઈટાલીની વાનગી છે, ભલે હવે તેનો પ્રસાર વિશ્વભરમાં થઈ ગયો હોય! આ કારણે અધિકૃત પીઝા ઈટાલીનો જ ગણાતો હોય એ સ્વાભાવિક છે. આ પીઝામાં સામાન્ય રીતે ‘ગળપણ’ન હોય. અનાનસ ફળ હોવાથી તે ગળપણ ધરાવે છે, અને પીઝાની અધિકૃતતાનો તે ભંગ કરે છે એવી માન્યતા અસલ ઈટાલીયનો ધરાવે છે. બીજી તરફ વિશ્વભરમાં પીઝા પ્રસરતાં દરેક દેશના લોકો પોતપોતાના સ્વાદ અનુસાર તેની પર ટૉપિંગ કરતા રહ્યા છે. એ જ રીતે સોયા સોસ ચીની વાનગી છે, જ્યારે પાસ્તા ઈટાલીયન પરંપરાની વાનગી! અધિકૃત ઈટાલીયન પાસ્તામાં સોયા સોસ હોતો નથી.

આમ, પોતાના રાષ્ટ્રની જીતને ઉજવવા માટે પરાજિત રાજ્યની વાનગીનું અપમાન કરવામાં આવ્યું અને એ રીતે રાષ્ટ્રદાઝ પ્રગટ કરવામાં આવી. ફરી એક વાર ક્રિકેટની વાત કરીએ તો આપણા જેવા દેશ માટે આવી ‘દાઝ’ની નવાઈ નથી. ઓલિમ્પીક્સ રમતોત્સવમાં આવું કશુંક થાય એ નવાઈભર્યું ન લાગે, પણ દુ:ખજનક અવશ્ય લાગે. જો કે, ઓલિમ્પીક્સના અસલ હાર્દને પ્રગટ કરતાં પરાજિત ઈટાલિયન ખેલાડી માકીએ કહ્યું કે પોતે કોઈ રેફરીને દોષિત ઠેરવવા માગતા નથી.

એક નિવેદનમાં તેમણે કહ્યું, ‘ઘણા વખત અગાઉ ચેમ્પિયન રહી ચૂકેલી મારી એક પ્રિય વ્યક્તિએ મને કહેલું, ‘ચંદ્રકની હંમેશાં ઉજવણી થવી જોઈએ.’અને ખરેખર આ ચંદ્રક સાથે આનંદ તેમજ ખુશી સંકળાયેલાં છે.’ ખેલાડી પણ સમાજમાંથી જ આવતા હોય છે, છતાં રમતગમત તેમને જે રીતે ઘડે છે એનો આ ઉત્તમ નમૂનો છે. જો કે, સીધોસાદા નાગરિકધર્મને આવા ખેલાડીઓ જે રીતે અનુસરે છે એમાં રાષ્ટ્રના નેતાઓ મોટા ભાગે વામણા પુરવાર થાય છે. અને કેમ ન થાય! નેતાઓ ક્યાં પોતાની જાતને નાગરિક ગણે છે!
(શિર્ષકપંક્તિ: સાહિર લુધિયાનવી)        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top