જલગાંવઃ મહારાષ્ટ્રના જલગાંવમાં ફરી એકવાર બે સમુદાયો વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મહાયુતિ સરકારમાં મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલના પાલધી ગામમાં બની હતી. બે જૂથો વચ્ચેનો વિવાદ આગચંપીમાં ફેરવાઈ જતાં અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જો કે હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. સાવચેતીના પગલારૂપે અહીં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેના શિંદે જૂથના મંત્રી ગુલાબરાવ પાટીલની પત્ની જલગાંવના પાલધી ગામમાં પોતાની કારમાં જઈ રહી હતી. ગામના એક યુવાનને તેની કારે ટક્કર મારી અને થોડી જ વારમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ મંત્રી ગુલાબરાવ પાટીલની પત્નીને લઈ જઈ રહેલી કારના ડ્રાઈવરને માર માર્યો હતો. કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. મામલો અહીં રોકાયો ન હતો. થોડીવારમાં ટોળાએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી. એક ડઝનથી વધુ દુકાનોને આગ ચાંપવામાં આવી હતી અને 6 વાહનો પણ બળી ગયા હતા.
જલગાંવના અધિક પોલીસ અધિક્ષક કવિતા નેરકરે જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનાના સંબંધમાં કાર્યવાહી કરી છે. પાલધી પોલીસ સ્ટેશનમાં 22-25 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે મંગળવારે રાત્રે જ કેટલાક શકમંદોની અટકાયત કરી હતી. પોલીસે લોકોને ગામમાં શાંતિ જાળવવા અને કોઈએ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.