Comments

મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે

અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી ઈરાનમાં બે બોમ્બધડાકા અને ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધનો કોઈ અંત દેખાતો ન હોવાને કારણે આ પ્રદેશ ભડકાની અણી પર છે. ઉપરથી રાતા સમુદ્ર પર હુથી આક્રમણનો ખતરો પણ વધી રહ્યો છે.

પરિસ્થિતિનો તાગ લેવા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન દ્વારા આવતા સપ્તાહે ઇઝરાયેલની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ એવા રાતા સમુદ્ર પર ભારે તણાવ વચ્ચે ઈરાનનું અલ્બોર્ઝ યુદ્ધજહાજ વ્યૂહાત્મક બાબ અલ-માંડેબની સામુદ્રધૂની દ્વારા રાતા સમુદ્રમાં પ્રવેશ્યું હોવાનું ઈરાની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. રાતા સમુદ્રને દક્ષિણ છેડેથી એડનના અખાત દ્વારા અરબ સાગર સાથે જોડતું બાબ અલ-માંડેબ યમન અને જીબુટી વચ્ચેથી પસાર થતો મહત્ત્વપૂર્ણ વેપાર જળમાર્ગ છે. યમનના બળવાખોરોનું જૂથ હુથી રાતા સમુદ્રના કિનારાના યમનના પ્રદેશ પર કબજો ધરાવે છે.

યમનના ઈરાન-સમર્થિત હુથી બળવાખોરો દ્વારા વેપારી જહાજો પરના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને પગલે અમેરિકાએ ડિસેમ્બરની શરૂઆતમાં રાતા સમુદ્ર માટે એક બહુરાષ્ટ્રીય નૌકાદળ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે જેના કારણે શિપિંગ કંપનીઓ હાલ સૈન્ય પ્રવૃત્તિથી ધમધમતા આ વિસ્તારમાંથી અવરજવર સ્થગિત કરી છે. ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ શિપિંગ અનુસાર, વૈશ્વિક વેપારનો ૧૨ ટકા હિસ્સો રાતા સમુદ્રમાંથી પસાર થાય છે, જે સુએઝ કેનાલ દ્વારા આફ્રિકાને પાર કરવાનો શોર્ટકટ પૂરો પાડે છે.

હુથીઓ કહે છે કે ડ્રોન હુમલો ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો પર ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા હુમલાના સમર્થનમાં હતો અને તેઓ ઇઝરાયેલ સાથે જોડાણ ધરાવતાં જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. ઈરાન દ્વારા આ ક્ષેત્રમાં યુદ્ધજહાજ મોકલવાની ઘટના પહેલી વારની નથી. ઈરાનનો નૌકાકાફલો ૨૦૦૯થી શિપિંગ લેન સુરક્ષિત કરવા, ચાંચિયાઓને ભગાડવા તેમજ અન્ય હેતુઓ સાથે આ વિસ્તારમાં કાર્યરત છે. સમય સમય પર આ વિસ્તારમાં ઈરાની યુદ્ધજહાજો તરતા હોય છે. આ વિસ્તાર ઈરાની યુદ્ધજહાજોની જેમ ઘણા દેશો માટે ખુલ્લો છે.

પરંતુ હવે વધુ ને વધુ યુદ્ધ જહાજો આ પ્રદેશમાં એકઠા થઈ રહ્યા છે, જેમાં યુએસ અને બ્રિટનના જહાજો પણ સામેલ છે. બ્રિટનના સંરક્ષણ સચિવ ગ્રાન્ટ શૅપ્સે જણાવ્યું હતું કે બ્રિટન રાતા સમુદ્રમાં નેવિગેશન સામે ઊભાં થયેલાં જોખમોને રોકવા માટે હુથીઓ સામે સીધી કાર્યવાહી કરવા તૈયાર છે. સામે ઈરાનના વિદેશ મંત્રાલયે પશ્ચિમી દેશોના બેવડાં ધોરણોની ટીકા કરતાં કહ્યું હતું કે ઇઝરાયેલ ગાઝામાં આગ લગાડે તે સામે તેઓને કોઈ વાંધો નથી અને પેલેસ્ટિનિયન સમર્થકો કંઈ કરે તો ઉકળી ઊઠે છે.

અમેરિકાએ અગાઉ હુથી હુમલામાં ઈરાન પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઈરાને આવા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે હુથી બળવાખોરો પોતાની રીતે કાર્યવાહી કરી રહ્યા છે.અમેરિકાની આગેવાની હેઠળના દેશોએ યમનના હુથી બળવાખોરોને રાતા સમુદ્રના શિપિંગ જહાજો પરના તેમના હુમલાઓ બંધ નહીં કરે તો તેનાં પરિણામો માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. આ જળમાર્ગ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વાણિજ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે ત્યારે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની અને જાપાન ૧૨ દેશોએ હુથીઓને ચેતવણી આપી છે.

આ ચેતવણી આપવામાં સામેલ મધ્યપૂર્વનો એકમાત્ર દેશ બહેરીન છે, જે ઈરાન સાથે તણાવપૂર્ણ સંબંધ ધરાવે છે. અમેરિકા હુથીઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ ઈરાન હુથીના સમર્થનમાં છે અને હુથીઓને ડ્રોન અને મિસાઈલ્સ ઇરાને જ પૂરાં પાડ્યાં હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. અમેરિકાએ આ વિસ્તારમાં એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ફલાઈટ ડી આઈઝનહોવર મોકલ્યું છે ત્યારે મધ્યપૂર્વમાં ઘર્ષણનો એક નવો મોરચો ખૂલી રહ્યાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top