સુરતઃ વિધાનસભાની ચૂંટણીની (Election) આચારસંહિતા પહેલાં સુરત મનપાના (SMC) શાસકોએ વધુ એક વખત સપાટો બોલાવી ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મનપાના ઇતિહાસમાં પહેલી વખત માત્ર એક કલાકમાં 1045 કરોડ રૂપિયાનાં ટેન્ડરોને (Tenders) મંજૂરી આપી ઇતિહાસ રચી દીધો હતો. અલબત્ત, આચાર સંહિતામાં મનપાની કામગીરી યથાવત ચાલતી રહે તેવા હેતુથી આ મંજૂરી અપાઇ છે તેમજ લોક સુવિધાનાં કામોને પ્રાધાન્ય અપાયું છે.
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિએ એજન્ડા પરનાં 116 કામ તેમજ વધારાના કામ તરીકે મુકાયેલાં 87 કામ, જ્યારે વિવિધ સમિતિઓના તાકીદનાં કામો તરીકે મુકાયેલાં 81 કામ મળી કુલ 284 કામને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધાનાં 86 કામનાં 675 કરોડનાં ટેન્ડર મંજૂર કરાયાં હતાં. જ્યારે સ્કૂલ નિર્માણ, ખજોદમાં સોલિડ વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ સ્થાપવા તેમજ સ્ટીલ રોડ બનાવવા જેવા 35 પ્રોજેક્ટને 279 કરોડના ખર્ચના અંદાજ સાથે મંજૂરી અપાઇ હતી. સ્ટેન્ડિંગ બેઠકમાં શહેરીજનોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવાની સાથે વિવિધ હેલ્થ સેન્ટરોમાં દવા, ઇન્જેક્શન તથા ઇક્વિપમેન્ટ 27.29 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદ કરવા માટે પણ 7 દરખાસ્તને મંજૂરીની મહોર મરાઇ હતી. પાલિકાની વિવિધ કચેરી તથા મિલકતોનાં મેઇન્ટેનન્સ માટેનાં કુલ 40 કામને પણ 63.18 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઇ છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ તબક્કે કુલ 284 દરખાસ્ત પર ચર્ચા અંતે 1045.64 કરોડ રૂપિયાનાં કામોને બહાલી આપી હતી.
તમામ સરકારી કચેરી-જાહેર સ્થળે સૂચના-માહિતી ગુજરાતીમાં લખવા મનપાનું ફરમાન
સુરત : સુરત મહાપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની રાજભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અને ઉપયોગમાં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આપવામાં આવેલી એક સમાચાર યાદી મુજબ શહેર હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરી, પરિસર અને જાહેર સ્થળોએ જ્યાં જ્યાં નામ, સુચના કે માહિતી સહિતની વિગતો લખવાની હોય ત્યાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે એમ જણાવવામાં આવ્યું છે.
આજ નિયમ ખાનગી માલિકી ધરાવતા થિયેટર, શોપિંગ મોલ, બાગ બગીચા, બેંક, હોટલ-રેસ્ટોરંટ, બેંક સહીતના જાહેર સ્થળોને પણ લાગુ પડશે. હવેથી સરકારી મિલકત કે ખાનગી માલિકીના જાહેર ઉપયોગના સ્થળોએ લખવામાં આવતા નામ, સુચના કે માહિતી અંગ્રેજી કે હિન્દી ભાષામાં હોય તો એની સમકક્ષ ગુજરાતી ભાષામાં પણ લખવું પડશે, અથવા તો ગુજરાતી ભાષામાં નામ સહિતની સુચના કે વિગતને પ્રાથમિકતા આપીને, અંગ્રેજી કે હિન્દી ભાષાને પછીથી લખવાની રહેશે. થિયેટરો, હોસ્પિટલ, નાટ્યગૃહ, બેન્કવેટ હોલ, શાળા-કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ, સુપર માર્કેટ, કેફે, વાંચનાલય સહિતના તમામ સરકારી ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોને આ નિયમ લાગુ પડશે. દિવાળીના સમયે મનપા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, અને એનો અમલ ક્યારથી કરવાનો છે એની સ્પષ્ટતા થઇ નથી, તેથી ખાનગી માલિકોને તાત્કાલિક સાઈન બોર્ડ બદલાવવા કે કેમ એ બાબતે મૂંઝવણ ઉભી થશે એ નક્કી છે.