આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાડૂતોને મફત વીજળી અને મફત પાણીનો લાભ નથી મળી રહ્યો. ચૂંટણી પછી જ્યારે અમારી સરકાર બનશે ત્યારે અમે એવી યોજના લાવશું કે જેમાં ભાડૂતોને મફત વીજળી અને મફત પાણી મળશે.
તેમણે કહ્યું કે પૂર્વાંચાલી સમાજને આ યોજનાનો મોટો લાભ મળશે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘અનબ્રેકેબલ’ વિશે દાવો કર્યો હતો કે ભાજપે તેનું સ્ક્રીનિંગ બંધ કરી દીધું છે.
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આજે એક ડોક્યુમેન્ટ્રી બતાવવાની હતી. દિલ્હી પોલીસે તેનું સ્ક્રીનિંગ બંધ કરી દીધું. આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો. પત્રકારો માટે આ ખાનગી સ્ક્રીનિંગ હતું. ભાજપ ડરી ગયો છે. આમ આદમી પાર્ટી પર ફિલ્મનું પ્રદર્શન ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી બતાવવા માટે હતી કે કેવી રીતે આમ આદમી પાર્ટીએ ભાજપના કાવતરાનો સામનો કર્યો. ખાનગી સ્ક્રીનીંગ માટે ચૂંટણી પંચની પરવાનગીની જરૂર નથી.
દલિત વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી છે. વિદેશમાં ભણવા માંગતા દલિત વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ અમારી સરકાર ઉઠાવશે. આ માટે અમે ડૉ.આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ શરૂ કરીશું. દલિત સમાજનું એકપણ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ડૉ. ‘આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ’ આપવામાં આવશે.
દલિત સમાજના બાળકોનું વિદેશમાં ભણવાનું સપનું સાકાર થશે. આ પહેલા પણ આપ પક્ષ અનેક લોકલાડીલી યોજનાઓની જાહેરાત કરી ચૂકી છે. જેમાં વૃદ્ધો માટે સંજીવની યોજના અને ઓટો ચાલકોને પાંચ મોટી ગેરંટી, મહિલા સન્માન યોજના વગેરેનો સમાવેશ થાય છે.
મહિલાઓ માટે આ યોજના
આ પહેલા અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર લાયક મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા મોકલશે. સાથે જ કેજરીવાલે ચૂંટણી બાદ મહિલાઓને 1000 રૂપિયાના બદલે 2100 રૂપિયા આપવાની વાત પણ કરી હતી.
કેજરીવાલનો દાવો છે કે જો ફરી AAPની સરકાર બનશે તો આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર ગયા માર્ચ મહિનામાં દરેક મહિલાના ખાતામાં દર મહિને અમુક પૈસા જમા કરાવવાનું વચન આપવામાં આવ્યું હતું. 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે. આ માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધણી કરાવનાર મહિલાઓને દર મહિને તેમના ખાતામાં પૈસા મળવાનું શરૂ થશે.