SURAT

કોઈતો લઈ ભાડૂઆત પાછળ દોડતા મકાન માલિક જીવ બચાવી ભાગ્યો, સુરતની ચોંકાવનારી ઘટના

સુરત: બિલ્ડર પાસેથી મકાન ખરીદ્યા બાદ તેમાં ઘૂસેલા ભાડૂઆતને ખાલી કરાવવા જતા મકાનમાલિક પર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ફલેટનો કબ્જો લેવા જતા મકાન માલિક સહિત બે પર કોઇતાથી હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવાનનો જમણા હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. જ્યારે તેના હાથના ભાગે તલવાર મારતા તેનો હાથ લટકી પડ્યો હતો.

  • ડિંડોલીમાં ભાડૂઆતનો મકાનમાલિક પર હુમલો, યુવકનો હાથ કાપી નાંખ્યો
  • મકાન ખરીદ્યા બાદ કબજો લેવા માલિક દસેક મહિનાથી ધક્કે ચઢ્યા હતાં
  • યુવક સાથે કબજો લેવા ગયા તો ભાડૂઆતે પીઠમાં કોઈતો ઝીંક્યો, સાથે લઈ ગયેલા યુવક પર પણ જીવલેણ હુમલો

સુરતના ડિંડોલી વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના બની છે. પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા મકાનમાલિક સહિત બે વ્યકિત પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઈતો લઇને પાછળ દોડતો ભાડૂઆત CCTV અને મોબાઈલ વીડિયોમાં પણ કેદ થયો છે. ડિંડોલી વિસ્તારમાં દેવ દર્શન સોસાયટીમાં 34 વર્ષીય ગોવિંદભાઈ તેજારામ જાટે મકાન લીધું હતું. એ મકાન બિલ્ડર પાસેથી બાબુ બાબાજી મલિક નામના શખસે ભાડેથી લીધું હતું. ત્યારબાદ તે ઘર વેચાણ બાદ મકાનમાલિક ગોવિંદભાઈ જાટ પોતાના ઘરનો કબજો લેવા માટે દસ મહિનાથી ભટકી રહ્યા હતા.

બેથી ત્રણ વાર ગોવિંદભાઇ દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી હતી. પોલીસે મહિનામાં કબ્જો મળશે તેમ કહીને ગલ્લા તલ્લા કર્યા હતા. પોલીસે અગાઉ 16મીએ બાબુએ કબ્જો આપી દેશે તેવી વાત કરી હતી, પરંતુ કબ્જો નહીં આપતા ગોવિંદ જાટ અને રાહુલ નામનો ઇસમ મકાન ખાલી કરાવવા ગયા, ત્યારે તે બંને પર કોઇતા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ભાડૂઆતે મકાનમાલિકની પીઠના ભાગે કોઈતાનો ઘા ઝીંકી યુવકનો હાથ કાપી નાંખ્યો
ભાડૂઆત બાબુએ મકાનનો કબજો લેવા આવેલા ગોવિંદભાઇ અને રાહુલ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી કોઈતા જેવું ધારદાર હથિયાર લઇ આવી ગોવિંદભાઈના પીઠના ભાગે ઘા માર્યા હતા. આ ઘટના દરમિયાન રાહુલ ગોવિંદભાઇને બચાવવા ગયો, ત્યારે બાબુએ રાહુલનો હાથ કાપી નાંખ્યો હતો. હુમલામાં બાબુની પત્નીએ પણ સાથ આપ્યો હતો. હાલ ગોવિંદ અને રાહુલ બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કોઈતો લઈને દોડતો ભાડૂઆત CCTV અને મોબાઇલ વીડિયોમાં કેદ થયો
સમગ્ર ઘટના સીસીટીવી અને મોબાઈલ વીડિયોમાં કેદ થઈ છે. વીડિયોમાં ભાડૂઆત બાબુ કોઇતો લઇને મકાનમાલિક ગોવિંદ અને રાહુલની પાછળ દોડી રહ્યો છે. મોબાઇલના લાઇવ વીડિયોમાં પણ તે કોઇતો લઇને જતો હોય અને તેની પત્ની પણ તેને હુમલો કરવામાં સાથ આપતી હોય એવું નજરે પડી રહ્યું છે. આ માલમે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Most Popular

To Top