Editorial

ખેડૂતોના ખાતામાં આવતા રૂપિયા કરતાં દસ ગણા ખાતરમાં વપરાશે

છોડના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અનિવાર્ય છે, જે માટે હવા, પાણી, પ્રકાશ અને પોષક તત્વો જરૂરી છે. પાકને તેનો જીવનક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે કુલ ૧૭ પોષક તત્વોની જરૂર પડે છે જે પૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન હવા અને પાણીમાંથી મળી રહે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને મુખ્ય તત્વો ગણવામાં આવે છે, કારણકે પાકને આ તત્વોની વધુ પ્રમાણમાં જરૂર પડે છે અને જમીનમાં આ તત્વોની ઉણપ પણ વધુ સર્જાય છે.

કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણ તત્વો કહેવામાં આવે છે, કારણ કે મુખ્ય તત્વો આપવાની સાથે આ તત્વો પણ આપોઆપ જમીનમાં ઉમેરાઈ જાય છે. દા.ત. એમોનિયમ સલ્ફટ આપવાથી નાઈટ્રોજનની સાથે ગંધક પણ ઉમેરાય છે. એ જ પ્રમાણે કેલ્શિયમ એમોનિયમ સલ્ફટમાં નાઈટ્રોજન ઉપરાંત કેલ્શિયમ અને ગંધક રહેલાં છે. સેન્દ્રિય ખાતરો અને જૈવિક ખાતરોથી પાકની પોષક તત્વોની સંપૂર્ણ માંગ સંતોષતી નથી. આથી પાકના સંપૂર્ણ વિકાસ અને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ અનિવાર્ય છે.

રાસાયણિક ખાતરોનું વ્યવસ્થાપન કરવામાં આવે તો તે અત્યંત કાર્યક્ષમ, સસ્તાં અને પાકની જે તે પોષક તત્વની જરૂરિયાત સંતોષવામાં કાર્યક્ષમ નિવડયાં છે. રાસાયણિક ખાતરની અસરકારકતા વધારવા માટે તેનો જથ્થો, સમય અને પધ્ધતિ વિશેની જાણકારી હોવી જરૂરી છે. હવે ખાતરના ભાવ વધારા પર એક નજર કરીએ તો તાઉતે વાવાઝોડા અને અતિવૃષ્ટિની કુદરતી મારમાં તબાહ થયેલાં ગુજરાતના ખેડૂતોને હજુ કળ વળ નથી ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝિકાયો છે જેના કારણે જગતના તાત પર વધુ આિર્થક બોઝનો માર  પડયો છે. 

રાસાયણિક ખાતરની પ્રતિ થેલી પર પર રૂા.265 સુધીનો ભાવ વધારો ઝિંકાયો છે જેથી ખેડૂતો લાલઘૂમ થયા છે. એટલું જ નહીં, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી ઉઠી છે. ગુજરાતમાં આ વખતે ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ટૌટે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી જેથી ઉભા પાકને ખૂબ જ નુકશાન પહોચ્યુ હતું. આટલું  ઓછું હોય તેમ પાછોતરા વરસાદે ખેતીને ખુબ જ નુકશાન પહોંચાડયુ હતું. ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી સર્જી દીધી હતી. હજુ તો ખેડૂતો કુદરતી મારનો સહન કરી બેઠાં ય થયાં નથી ત્યા રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેવાયો છે. 

ઇફકોએ એનપીકે ખાતરની એક થેલીનો ભાવ રૂા.1150 કરી દીધો છે. આ ખાતરની થેલીનો ભાવ રૂા.1185 હતો. એનપીકે ખાતરની થેલી પર રૂા.265નો વધારો કરી દેવાયો છે. આ જ પ્રમાણે, એનપીકે ખાતરની થેલીનો ભાવ રૂા.1175 હતો તેના ભાવ હવે રૂા.1440 કરાયો છે. એટલે ખાતરની પ્રતિ થેલીએ રૂા.265 વધારાયા છે. કિસાન કોંગ્રેસ સેલનો આરોપ છેકે, ગત એપ્રિલ માસમાં જ ખાતરનો ભાવ વધારો કરી દેવાયો હતો પણ ખેડૂતોએ હોબાળો મચાવતા સરકારે ભાવ વધારો પાછો ખેચી લેવા ફરજ પડી હતી પણ તે વખતે ખાનગી ખાતર કંપનીઓએ ખાતરની પ્રતિ થેલીનો ભાવ રૂા.1700 સુધી યથાવત રાખ્યો હતો.

હવે ઇફકોના સત્તાધીશો એવો લૂલો બચાવ કરી રહ્યા છેકે, ખાનગી ખાતર કંપનીઓની સરખામણીમાં સરકારી ખાતર કંપનીઓનું ખાતર હજુય  સસ્તુ છે. હવે રવિ સિઝનનો પ્રારંભ થશે તે પહેલાં જ ખાતર મોંઘુ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવુ છેકે, રાસાયણિક ખાતર જ નહીં, બિયારણ, જંતુનાશક દવાઓ થી માંડીને અન્ય ખેતીલાયક ચીજવસ્તુઓ ઉપરાંત ખેત મજૂરી ય મોંઘી થઇ છે. આ જોતાં ખેતી કરવી મોઘુ બન્યુ છે. સામે છેડે ખેત ઉત્પાદનના પુરતા ભાવો મળતાં નથી.

આ સંજોગોમાં ખેડૂતો જમીનો વેચવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, ખેત વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યાં છે. ખાતરના ભાવ વધારો પાછો ખેચવા માંગણી ઉઠી છે. જો ભાવ વધારો પરત નહી ખેચાય તો, રાજ્યમાં આંદોલન થાય તેવા ભણકારાં વાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનડીએ 2 સરકારે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારે તેમના મેનિફેસ્ટોની મુખ્ય વાત એ હતી કે ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની નેમ છે અને આ વાત જુદા જુદા ભાષણમાં ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

જો કે તેઓ કયા આધારે આ વાયદો કરી રહ્યાં છે તેની જાણકારી આપવામાં આવી ન હતી. એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી તેમણે એક મહત્વનનો નિર્ણય કર્યો કે નાના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા જ કેન્દ્ર સરકાર જમા કરાવશે અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં આવક બમણી થવાની આશા જન્મી હતી. પરંતુ જે રીતે ખાતરના ભાવ વધ્યા છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે ખાતામાં જેટલા રૂપિયા આવે છે તેના કરતાં દસ ગણા રૂપિયા તો ખાતર પાછળ વપરાઇ જશે હવે ખેડૂતોની હાલત તો એક સાંધતા તેર તૂટે તેવી થઇ ગઇ છે.

ખેડૂત અતિવૃષ્ટીનો માર સહન કરી રહ્યો છે, ખેડૂત વાવાઝોડાનો માર સહન કરી રહ્યો છે આ દુખ તો સમજી શકાય તેમ છે કારણ કે, તે કુદરતી આપતી છે. પરંતુ ખાતરનો ભાવ તો સરકારના હાથમાં છે અને તે જ ખેડૂતોની કમર તોડી રહ્ચો છે. જે રીતે ડિઝલના ભાવ વધ્યા છે તે પણ ખેડૂત કોઇકાળે સહન કરી શકે તેમ નથી. કોઇ કુદરતી આફત વગર ખેડૂતનો પાક તૈયાર પણ થઇ જાય તો મજૂરી અને તેને માર્કેટ સુધી લઇ જવામાં જ ખેડૂતનો નફો ધોવાઇ જાય છે. વેપારીઓ કમાઇ છે ગ્રાહકોને મોંઘા ભાવે વસ્તુઓ મળે છે પરંતુ બીચારો ખેડૂત તો ત્યાંનો ત્યાં જ રહે છે એટલે રાસાયણિક ખાતરના ભાવ અંગે સરકારે સબસીડી જેવી કોઇ બાબત વિચારવી જોઇએ.

Most Popular

To Top