આણંદ: આણંદ જિલ્લામાં જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે જિલ્લાના 400થી વધુ તળાવમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે. જોકે, આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા દોઢ વર્ષમાં મેલેરીયાના 14 અને ડેન્ગ્યુના 10 કેસ નોંધાયાં છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, વર્ષ 2022 દરમિયાન મેલેરીયાના 14, ડેન્ગ્યુના 9 અને ચિકનગુનિયાના 2 પોઝીટીવ કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષ 2023 દરમિયાન ડેન્ગ્યુનો ફક્ત 1 જ કેસ નોંધાયો હતો. જે અંતર્ગત ચાલુ માસ દરમિયાન અત્યાર સુધીમાં 2,40,565 ઘરોના 9,45,840 પાત્રો તપાસવામાં આવ્યા છે. જેમાંથી 18,950 પાત્રોમાં દવા નાખવામાં આવી છે તથા 4130 પાત્રોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીલ્લાના 400 કરતાં પણ વધુ તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી છે. જે આવનાર ચોમાસાની ઋતુમાં મચ્છર નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક સાબીત થશે.
આણંદ જિલ્લામાં લોકોમાં મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જુન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનને શોધી તેને નાબુદ કરવા તેમજ સઘન સર્વેલન્સ દ્વારા મેલેરીયા પોઝિટિવ કેસ શોધી તેને સારવાર આપવામા આવે તો ચોમાસામાં મેલેરીયા રોગને નિયંત્રિત કરી શકાય તે હેતુથી આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જીલ્લામા અઠવાડીક હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી પોરાનાશક માછલી મુકવાની અને આરોગ્ય શિક્ષણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના લોકોને મેલેરિયા પ્રત્યે જાગૃત કરવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી, ગ્રુપ ચર્ચા, વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ, પપેટ શો, નાટક, વર્કશોપ, બેનર, પોસ્ટર, પત્રિકાઓ, મચ્છરના પોરાનું જીવંત પ્રદર્શન જેવી વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.