Columns

પહેલગામ હુમલાના દસ દિવસ પછી પણ ત્રણ સવાલના જવાબ મળ્યા નથી

પહેલગામ હુમલાનો બદલો લેવાની ભારતભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ હુમલા પછી ભારત સરકારને ત્રણ ધારદાર સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબો હજુ સુધી મળ્યા નથી અને મોદી સરકારનો અભિગમ જોતાં કદાચ ક્યારેય મળશે નહીં. પહેલગામ હુમલા પછી ભારત સરકારને જો કોઈએ સૌથી ગંભીર સવાલો કર્યા હોય તો સુરતનાં શીતલ કલાથિયા હતાં, જેમના પતિ શૈલેષભાઈ કલાથિયાનું હુમલામાં મોત થયું હતું.

ભારતના જળસંસાધન ખાતાંના મંત્રી સી.આર. પાટિલ અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જ્યારે શીતલ કલાશિયાને આશ્વાસન આપવા આવ્યા ત્યારે પોતાના પતિના મૃતદેહની હાજરીમાં શીતલે પૂછ્યું હતું કે ‘‘જે જગ્યા પર આટલાં બધાં ટુરિસ્ટો ભેગાં થયાં હતાં ત્યાં કોઈ સુરક્ષા કર્મચારીઓ કેમ નહોતાં? જો સરકાર ત્યાં કોઈ સુરક્ષા આપી નહોતી શકતી તો અમને ત્યાં જવા કેમ દીધાં? તમારી આજુબાજુ સુરક્ષા માટે હેલિકોપ્ટરો ફરે છે, અમારા માટે કોઈ સુરક્ષા નહીં? તમને જે સુરક્ષા મળે છે તે અમારા દ્વારા ભરવામાં આવતા ટેક્સમાંથી જ મળે છે. તમારો જીવ જીવ છે, તો અમારો જીવ જીવ નથી?’’

શીતલ કલાશિયા દ્વારા ભારત સરકારના પ્રતિનિધિ સી.આર. પાટિલને જે સવાલો પૂછવામાં આવ્યા તે વિડિયો એટલો વાયરલ થયો કે ભારતનાં કરોડો નાગરિકો ઉપરાંત પ્રધાનો અને સરકારી અધિકારીઓએ પણ તે જોયો; પણ આજ દિન સુધી શીતલના સવાલનો જવાબ મળ્યો નથી કે ‘‘ત્યાં કોઈ કેમ સુરક્ષા નહોતી?’’શીતલના સવાલનો જવાબ આપવાને બદલે પાછળથી તેમના પર એવું દબાણ આણવામાં આવ્યું કે તેમને પોતાનું નિવેદન બદલવાની ફરજ પડી હતી.

પહેલગામમાં થયેલા હુમલા બાદ વારંવાર પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આ લોકપ્રિય પર્યટન સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી? સામાન્ય રીતે કાશ્મીર ખીણમાં દરેક સ્થળ ઉપર સુરક્ષા કર્મીઓ મોટી સંખ્યામાં તૈનાત હોય છે. કાશ્મીરમાં મુસાફરી કરતાં દર દસ કિલોમીટરે એક ચેકનાકું આવે છે, જ્યાં તમારા સામાનની પૂરેપૂરી ચકાસણી કરીને તમને આગળ જવા દેવામાં આવે છે. તો સવાલ એ છે કે આટલી બધી ચોકીઓ વટાવીને ચાર આતંકવાદીઓ શસ્ત્રોના જથ્થા સાથે સરહદની અંદર ૩૦૦ કિ.મી. સુધી બેરોકટોક કેવી રીતે આવ્યા અને હેમખેમ પાછા કેમ ચાલ્યા ગયા?

કાશ્મીર બાબતોના નિષ્ણાત પત્રકાર અનુરાધા ભસીન કહે છે કે જ્યાં સુધી તેમને યાદ છે, તેમણે હંમેશ જમ્મુ અને કાશ્મીરમાં ભારે લશ્કરી દળની તૈનાતી જોઈ છે. ૧૯૯૦ ના દાયકાથી, મને કોઈ જાહેર સ્થળ યાદ નથી જ્યાં સુરક્ષા ન હોય. દરેક જગ્યાએ તમને કોઈ સુરક્ષા કર્મચારીઓ અથવા સુરક્ષા વ્યવસ્થા જોવા મળશે. તેથી આશ્ચર્યજનક છે કે આ વિસ્તારમાં કોઈ સુરક્ષા ન હતી. હુમલાના થોડા કલાકોમાં જ હુમલાખોરોનાં નામો કેવી રીતે જાહેર કરવામાં આવ્યાં? સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં સમય લાગ્યો, પરંતુ થોડા સમય પછી તેમની પાસે હુમલાખોરોના સ્કેચ હતા. તેઓ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા? આ તપાસ વિશ્વસનીય લાગતી નથી. આ ઘટના વિશ્વના સૌથી વધુ લશ્કરી પહેરો ધરાવતા વિસ્તારમાં બની હતી. આનાથી ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એસ.પી. વૈદે પણ કહ્યું કે પ્રવાસીઓને દૂરના વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા હોવાથી ત્યાં સશસ્ત્ર પોલીસની હાજરી હોવી જોઈતી હતી. પોલીસ કે અર્ધલશ્કરી દળો ત્યાં હોવાં જોઈતાં હતાં. જો તેઓ ત્યાં હોત, તો તેઓ આતંકવાદીઓનો સામનો કરી શક્યા હોત. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ભણાવતા આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સુરક્ષાના નિષ્ણાત પ્રોફેસર અમિતાભ મટ્ટુ કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રવાસન સ્થળોએ લશ્કરી દળોની ભારે તૈનાતી ટાળવાનું વલણ રહ્યું છે. સરકાર દ્વારા એક એવી રણનીતિ અપનાવવામાં આવી હતી જે અસરકારક હતી પણ સ્પષ્ટ નહોતી. કોઈ પણ સંજોગોમાં, તે એક મોટી સુરક્ષા ભૂલ હતી.

પહેલગામ હુમલા બાબતમાં આ મોટા સવાલનો જવાબ નથી મળતો તેમ તેનાથી ગંભીર બીજા સવાલનો જવાબ પણ મળતો નથી. આ સવાલ છે, આતંકવાદીઓ દ્વારા સામાન્ય લોકોને કેમ નિશાન બનાવવામાં આવ્યાં? આ હુમલામાં ઉગ્રવાદીઓએ એવી પદ્ધતિ અપનાવી હતી જે અન્ય હુમલાઓથી અલગ હતી. ઉગ્રવાદીઓ સામાન્ય રીતે સરકારી કે લશ્કરી અધિકારીઓને નિશાન બનાવતા હોય છે, કારણ કે તેમને વેર સરકારી તંત્ર સાથે હોય છે.

આ હુમલામાં સૈનિકો કે પોલીસ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. લાંબા સમય પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પહેલો હુમલો હતો, જેમાં સામાન્ય લોકોને આટલા મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આતંકવાદીઓ ક્યારેય પર્યટન વિસ્તારોને નિશાન બનાવતા નથી. આ વાત આખી દુનિયામાં અને ખાસ કરીને કાશ્મીરમાં સાચી છે. જો આતંકવાદીઓ આવું કરશે, તો તેઓ સ્થાનિક કાશ્મીરીઓની આજીવિકાને નિશાન બનાવશે. તેઓ આ સ્થાનિક લોકો પાસેથી સમર્થનની અપેક્ષા રાખે છે.

આનાથી તેમનો ટેકો સમાપ્ત થઈ જશે. આ જ કારણ છે કે સ્થાનિક વિસ્તારોમાં આપણે હંમેશા એવી સમજ રાખીએ છીએ કે આતંકવાદીઓ સામાન્ય લોકોને નિશાન બનાવતા નથી તેમ છતાં પહેલગામમાં બહારનાં પર્યટકોને નિશાન બનાવવા પાછળનું કારણ સમજાતું નથી. પહેલગામ હુમલા બાબતમાં ત્રીજો સરકારને અણગમતો સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે સરકાર જેનાં વખાણ કરતાં થાકતી નથી તે ગુપ્તચર તંત્ર એટલી હદે કેમ નિષ્ફળ ગયું કે તેને આટલો મોટો આતંકવાદી હુમલો થવાનો છે, તેની ગંધ પણ આવી નહીં? કાશ્મીરમાં જે રીતે ગુપ્તચરોનું જાળું ફેલાયેલું છે તે જોતાં ગુપ્તચર તંત્ર આટલી હદે નિષ્ફળ જાય તેની કોઈ કલ્પના પણ કરી શકાય તેમ નથી.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવેલ તો આ બાબતના માસ્ટર ગણાય છે. તેમનું તંત્ર કેમ નિષ્ફળ ગયું? નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ પણ માને છે કે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા એક મોટી ભૂલ છે. આ ઘટનાના થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના આર્મી ચીફે એક નિવેદન આપ્યું હતું. આમાં તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વિશે વાત કરી હતી. તેમણે મુસ્લિમોની શ્રેષ્ઠતા વગેરે વિશે વાત કરી હતી. આપણે તે સંકેત સમજવો જોઈતો હતો. કોઈ પણ હાઇ પ્રોફાઇલ આતંકવાદી હુમલાને હંમેશા ટોચના સ્તરે મંજૂરી આપવામાં આવે છે. પાકિસ્તાની આર્મી ચીફ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. તેથી આપણે આવી બાબતો વિશે વધુ સાવચેત રહેવું જોઈતું હતું. આ બાબતમાં આપણું ગુપ્તચર તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે.

ગુપ્તચર તંત્રની નિષ્ફળતા બાબતમાં કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન કિરણ રિજ્જીજુને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું હતું કે પહેલગામનો હુમલો ગુપ્તચર તંત્રની ચૂકને કારણે થયો હતો. આ નિવેદન કર્યા પછી તેમના પર એટલું દબાણ આવ્યું કે તેમણે તેમનું નિવેદન ડિલિટ કરવાની ફરજ પાડવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં પણ વિપક્ષો દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલ કરવું પડ્યું હતું કે સુરક્ષામાં ચૂક થઈ હતી. આ માટે સરકારે વાહિયાત કારણ આપ્યું હતું કે પહેલગામમાં પર્યટનની મોસમ જરા વહેલી શરૂ થઈ ગઈ હોવાથી સુરક્ષા દળો પાસે તેની માહિતી નહોતી. આ કેવી વિચિત્ર વાત છે? પહેલગામ નજીક કોઈ સ્થળે બે હજાર જેટલાં ટુરિસ્ટો ભેગાં થાય છે, પણ સુરક્ષા દળોને તેની જાણ નથી. તેમના પર આતંકવાદીઓ ત્રાટકે છે, તેની જાણ પણ સુરક્ષા દળોને નથી થતી. આતંકવાદીઓ હત્યાઓ કરીને ક્યાં ચાલ્યા ગયા છે, તેની જાણ પણ સુરક્ષા દળોને હજુ સુધી થઈ નથી.

આ બધી વાતો માની શકાય તેવી નથી. આ હુમલો કોઈ રાજનીતિનો ભાગ હોવાનું જણાઈ રહ્યું છે. પહેલગામ હુમલા બાબતમાં મેઇન સ્ટ્રીમ મિડિયા દ્વારા આવા પાયાના કોઈ સવાલો જ ઉઠાવવામાં આવ્યા નહોતા. તેમણે તો ભાજપનો હિન્દુ-મુસ્લિમ એજન્ડા ચલાવ્યો હતો. યુ-ટ્યૂબની કેટલીક લોકપ્રિય ચેનલો દ્વારા વારંવાર આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને સરકારને અણગમતા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ ચેનલોનાં દર્શકો લાખોની સંખ્યામાં હતાં. તે સવાલોના જવાબો આપવાને બદલે સરકારે તે ચેનલો ઉપર જ પ્રતિબંધ મૂકાવી દીધો હતો. સરકારના આ વલણ પરથી લાગે છે કે પહેલગામનો હુમલો કોઈ મોટું ભેદી કાવતરું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top