વડોદરા: વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓના પગારમાં 15 ટકાના વધારાથી કર્મચારીઓ નારાજ થયા છે. કર્મચારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓએ તાજેતરમાં કરેલા ઉગ્ર આંદોલન બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ તેમનો પગાર વધારવાનો નિર્ણય કરવા માટે એક કમિટિ બનાવી હતી.આ કમિટિએ કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.જોકે આ નિર્ણયથી કર્મચારીઓનો અસંતોષની લાગણી જોવા મળી છે.
ગુરુવારે આ નિર્ણય સામે કર્મચારીઓએ યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.હાલમાં હંગામી કર્મચારીઓને 10 હજાર થી માંડીને 14 હજાર રુપિયા જેવો પગાર મળે છે.15 ટકાનો વધારો કરવામાં આવે તો પણ માંડ 1,000 થી 1500 રુપિયાનો પગાર વધારો કર્મચારીઓને મળશે.તેની સામે ઘણા કર્મચારીઓ 10 થી 15 વર્ષ અથવા તેના કરતા વધારે સમયથી ફરજ બજાવી રહ્યા છે.
ખરેખર તો કમિટિએ સરકારના 2017ના ઠરાવનો અમલ કરવાની જરુર હતી તેવુ ઘણાનુ માનવુ છે.આ ઠરાવ પ્રમાણે પ્યૂનને 16244 રુપિયા, ક્લાર્કને 19300 રુપિયા અને ટેકનિકલ કર્મચારીઓને 31,300 રુપિયા પગાર ચુકવવાનો હોય છે.જોકે કમિટિએ આશ્ચર્યજનક રીતે આ ઠરાવ પર ચર્ચા સુધ્ધા કરી નથી.કમિટિના ઠરાવ પર સિન્ડિકેટમાં ચર્ચા થશે અને એ બાદ નિર્ણય લેવાશે પણ કર્મચારીઓની પગાર વધારાના નામે મજાક ઉડાવવામાં આવી હોવાની લાગણી સાથે કર્મચારીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો.
પગાર વધારા માટે બનાવેલી કમિટીમાં અમારા કર્મચારીઓના સમાવશ કરાય
પગાર વધારા માટે જે કમિટી બનાવવામાં આવી તેમાં એકપણ કર્મચારીનો સમાવેશ કરવામાં નથી આવ્યો.અમે સત્તાધિશોને વિનંતી કરીએ છે કે આ કમિટીમાં અમારા કર્મચારીઓ સમાવેશ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે સરકારે જે બાંહેધરી આપી છે.એનું નોટિફિકેશન જાહેર કરી અમારો પગાર વધારોે કરવામાં આવે. – કર્મચારી