નવસારી: નેશનલ હાઈવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 6.35 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પોને ઝડપી પાડયો હતો. જયારે ચાલક ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પો (નં. જીજે-23-એડબ્લ્યુ-2271) માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળ્યા છે જે સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે ને.હા.નં. 48 ઉપર આમડપોર ગામ પાસે બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પહેલા વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોચાલકને ઉભો રહેવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પોચાલકે ટેમ્પો હંકારી દીધો હતો. જેથી પોલીસે ટેમ્પાનો પીછો કરતાં ટેમ્પોચાલક થોડે આગળ ટેમ્પો ઉભો રાખી નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી 6,35,712 રૂપિયાની વિદેશી દારૂની અને બિયરની કુલ 5760 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 10 લાખનો ટેમ્પો, મોબાઈલ મળી કુલ્લે રૂ.16,36,212 મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
