સુરત: સુરતમાં (Surat) રવિવારે મોડી રાત્રે ખૂબ જ વિચિત્ર અકસ્માત (Accident) થયો છે. ફૂલસ્પીડમાં દોડતો ટેમ્પો (Tempo) આગળ દોડતા વાહન સાથે ટકરાયો હતો, જેના લીધે આગળના ભાગેથી ટેમ્પો ચપટ થઈ ગયો હતો અને અંદર 3 યુવાનો ફસાઈ ગયા હતા. આગળ દોડતો વાહનનો ચાલક ગભરાઈને નાસી છૂટ્યો હતો, બીજી તરફ ટેમ્પો ચપટ થઈ જતા યુવાનો બહાર નીકળી શકતા નહોતા, તેથી તેઓએ બૂમાબૂમ કરી મુકી હતી. ફાયર બ્રિગેડે (Fire Brigade) મહામહેનતે મશીનની મદદથી ટેમ્પો કાપીને ત્રણેય યુવાનોને બહાર કાઢ્યા હતા. આ યુવાનોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ટેમ્પોની સીટ પર દારૂની બોટલ, ગ્લાસ અને નાસ્તો પડ્યો હતો, તે જોતાં ત્રણેય યુવાનો નશાની હાલતમાં ટેમ્પો દોડાવી રહ્યાં હોઈ તેના લીધે અકસ્માત થયો હોવાની શંકા સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મધરાત્રે 1.15 કલાકના અરસામાં ઈચ્છાપોર ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોનો અકસ્માત થયો હતો. આ છોટા હાથી ટેમ્પો આગળ જઈરહેલાં કોઈ વાહન સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેમ્પાની કેબીનનો ભાગ આગળથી સંપૂર્ણ ચપટ થઈ ગયો હતો, જેના લીધે ટેમ્પોના ડ્રાઈવર સહિત ત્રણ જણા અંદર ફસાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા માંડ્યા હતા. કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્રણેને રેસ્ક્યૂ કર્યા હતા.
વધુમાં મળતી માહિતી અનુસાર આ ટેમ્પો સર્વિસ રોડ પરથઈ ઓએનજીસી નગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે ટેમ્પામાં અજય મંદારે (ઉં.વ. 22), રોહિત પરમાર (ઉં.વ. 22) અને અશોક પરમાર (ઉં.વ. 20) બેઠાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પાના આગળના કેબિનનો ભાગ ચપટ થઈ ગયો હતો અને આ ત્રણેય જણા અંદર ફસાઈ ગયા હતા. ત્રણેય જણાએ બૂમાબૂમ કરી હતી તેથી લોકો ત્યાં દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, કેબિનનો ભાગ મશીન વડે પહોળો કરી તથા પતરાં કાપી તેમજ તોડીને 20 મિનીટની ભારે જહેમત બાદ ત્રણેય યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયના જીવ બચી ગયા હતા, પરંતુ ઈજા ગંભીર હોય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ટેમ્પોની સીટ પરથી દારૂ મળ્યો
ટેમ્પો ફૂલસ્પીડમાં હોવાના લીધે અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. સૂત્રોએ કહ્યું કે, અંદર ફસાયેલા ત્રણેય યુવાનોને બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં ત્યારે ટેમ્પોની સીટ પર દારૂની બોટલ, નાસ્તો, ગ્લાસ તેમજ કોલ્ડ્રીંકની બોટલ પડેલી મળી હતી. તેના પરથી એવી શંકા ઉભી થઈ છે કે દારૂના નશામાં ટેમ્પો હાંકી રહ્યાં હતાં અને તેના લીધે અકસ્માત થયો છે.