આપણે ત્યાં અવારનવાર સમાચાર પ્રગટ થતાં રહે છે કે અમુક મંદિરનાં શિખર પર સોનુ મઢવામાં આવ્યું, તો અમુક મંદિરમાં દેવી-દેવતાને સોનાનાં દાગીનાઓ ભકતોએ ભેટ કર્યા તો વળી દૈનિકો પાને અમુક મંદિરોમાં આ વર્ષે આટલુ સોનુ આવ્યું વિગેરે વિગેરે. થાય છે કે કયારેક આપણો દેશ સોનાની ચિડિયા કહેવાતો ત્યારે આપણાં દેશને લૂંટવામાં વિદેશીઓ કોઇ કસર છોડી ના હતી. જયારે વિજાણુ સહ અનેક પ્રચાર માધ્યમો પર કયા કયા મંદિરોમાં કેટલુ સોનું છે એનો હિસાબ પ્રગટ થયા કરે છે. તો વિચાર આવે છે કે ભવિષ્યમાં ફરી વિદેશીઓ દ્વારા આપણો દેશ લૂંટવામાં તો નહીં આવે ને?
વળી અન્ય એક સોના બાબતની વાત શ્રી રજનીશજીએ કયારેક કહ્યું હતું કે જે દેશમાં મંદિરો સોના થકી મઢતા હોય અને બાળકો જયાં શિક્ષણ પામે છે તે શાળાઓની છત વરસાદમાં ગળતી હોય તે દેશ અંગે શું કહેવું? એટલું જ નહિ વિકાસની મોટી મોટી ગુલબાંગો હાંકતી સરકારો પણ જે અનાજ થકી પ્રજાની ભૂખ મટતી હોય તે અનાજ ગોડાઉનોના અભાવે પ્રતિ વર્ષે લાખો ટન સડતું હોય છતાં કશું જ કરી શકતી ન હોય ત્યારે મંદિરોને કે દેવી દેવતાઓને સોને મઢવું ખરેખર વ્યાજબી ખરૂં?
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.