પુણેના અંબેગાંવ તાલુકાના મંચરમાં એક મોટો વિવાદ ઉભો થયો છે. અહીંના ચાવરી ચોકમાં એક સ્થાનિક દરગાહમાં સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે શુક્રવારે બપોરે લગભગ 2.30 વાગ્યે દરગાહની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલની અંદર એક ટનલ જેવું માળખું મળી આવ્યું. ઉપરાંત એવું લાગતું હતું કે ત્યાં એક મંદિર હતું. આનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો અને બંને પક્ષો આમને-સામને આવી ગયા.
હિન્દુ જૂથોનો દાવો છે કે દરગાહની નીચે એક મંદિર હતું, જ્યારે બીજી બાજુએ આ દાવાનો સખત વિરોધ કર્યો અને તેને રદિયો આપ્યો. તેમણે કહ્યું કે ત્યાં ફક્ત દરગાહ અને કબરો છે.
માહિતી અનુસાર સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલે સમારકામ માટે લગભગ 60 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા. જોકે, આ બાંધકામ માટે બધી સત્તાવાર પરવાનગીઓ લેવામાં આવી હતી કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ ઘટના બાદ, તણાવ વધતો અટકાવવા માટે મંચર શહેરમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અધિકારીઓએ બાદમાં કહ્યું હતું કે કોર્ટના આદેશ સુધી આગળ કોઈ બાંધકામ કાર્ય થશે નહીં. શાંતિ જાળવવા માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે બેઠકો યોજાઈ હતી. મુસ્લિમ સમુદાયે કોર્ટના નિર્ણયનું પાલન કરવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે હિન્દુ જૂથોએ કહ્યું હતું કે તેઓ સમારકામનું કામ રોકવા માટે કોર્ટનો સંપર્ક કરશે.