Dakshin Gujarat

બામણિયા ભૂત મંદિરે દર્શન કરવા આવેલા વૃદ્ધ અંબિકા નદીના પાણીમાં પડી જતાં બેભાન થયા અને પછી..

અનાવલ: મહુવા તાલુકાના ઉમરા (Umra) ગામની સીમમાં આવેલા બામણિયા ભૂત મંદિરે નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર (Jalalpor) મહાદેવ ફળિયામાં રહેતા 68 વર્ષીય છીકાભાઈ છોટુભાઈ ચૌધરી તા. 27/09/2022ના રોજ દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યાં મંદિરમાં દર્શન કરવા પહેલા નજીકથી પસાર થતી અંબિકા નદીના (Ambika River) પાણીમાં હાથ પગ ધોવા માટે ગયા હતા. જ્યાં લીલ વાળા પથ્થરો પર પગ પડતા પગ લપસી જતા નદીના પાણીમાં પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. જેમને ત્વરિત સારવાર માટે 108મા અનાવલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકની પત્નીએ જાણ કરતા મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દેવધા ગામે ઘાસચારો કાપીને રેલવે ટ્રેક ઓળંગતા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત
બીલીમોરા : બીલીમોરા નજીકના દેવધા ગામના ભેંસલા ફળીયા ખાતે રહેતા કીકાભાઈ ભગાભાઈ પટેલ (71) નજીકના રેલ્વે ટ્રેકને ક્રોસ કરીને ઢોરો માટે ઘાસચારો કાપવા માટે ગયા હતાં. જ્યાંથી ઘાસ કાપીને પરત ઘરે પરત આવતી વખતે ભેંસલા ફળીયાનો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હતા. તે સમયે ટ્રેનની અડફેટે આવી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓને મેંગુસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને આવેલી ગંભીર ઇજોને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ બીલીમોરા પોલીસને જાણ કરી હતી. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેટમાં દુખાવો થતા બધી દવાઓ પી લેનાર નવા ગામના આધેડનું મોત
નવસારી : નવા ગામના આધેડને પેટમાં દુખાવો થતા ડોક્ટરે આપેલી બધી દવાઓ પી જતા મોત નીપજ્યાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના નવા ગામે તારા ફળીયામાં મનુભાઈ છતુભાઈ હળપતિ (ઉ.વ. 5૦) તેના પરિવાર સાથે રહેતા હતા. ગત 24મીએ મનુભાઈને પેટમાં દુખાવો થયો હતો. જેથી પરિવારજનોએ ગામમાં ડોક્ટર પાસે પેટમાં દુખાવાની દવા લીધી હતી. ત્યારબાદ ઘરે આવતા ફરી મનુભાઈને પેટમાં વધુ દુખાવો ઉપડ્યો હતો. જેથી મનુભાઈએ ડોક્ટરે આપેલી બધી દવાઓ પી જતા તેમની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનુભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. શ્રીકાંતભાઈને સોંપી છે.

Most Popular

To Top