Charchapatra

મંદિર-મસ્જીદ વિવાદ અનિચ્છનીય

બાબર-હુમાયુની મોગલ સલ્તનત દરમ્યાન કંઇ કેટલાંય હિન્દુ મંદિરો ધ્વસ્ત કરાયાં હશે અને મસ્જીદોમાં તબદીલ કરાયાં હશે. આજે મારા વતનના કસબામાં પૂરાં દસ મુસ્લિમ પરિવારો રહેલ નથી. ત્યાં પણ હિન્દુ વસ્તીની વચ્ચે અને મંદિરની તદ્દન નજીકમાં મસ્જીદ છે તેમ જ મામલતદાર કચેરી પાસે બ્રાહ્મણ પરિવારના ઘરથી નજીકમાં જ દરગાહ છે. બીજી થોડે દૂર અન્ય દરગાહ (ખાસ્સી મોટી) પણ છે. મસ્જીદ ખસેડી શકાય તો હિન્દુ વસ્તીથી દૂર સ્થળાંતર કરવું જોઇએ. આ માટે મુસ્લિમ પરિવારોને સાથે રાખીને તેમનો સહકાર માંગી શકાય. હિન્દુ-મુસ્લિમની સારી વસ્તીવાળા એક અન્ય ગામમાં બંને કોમ આડોશીપાડોશી છે અને સંપથી રહે છે. તાપી દૂર પડતી હોય તેવી હિન્દુ -મુસ્લિમ મહિલાઓને તેમની વસ્તી વચ્ચેના કૂવામાંથી પાણી ખેંચીને હારબંધ મૂકેલા ઘડા-દેગડા વગેરેમાં ભરી આપવામાં પરસ્પર મદદ કરતી મેં જોઇ છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લા લોકલ બોર્ડ હસ્તક હતો, ત્યારે એક બ્રાહ્મણ શિક્ષકની બદલી થતી તો જુદી જુદી કોમનું પ્રતિનિધિમંડળ બદલી રદ કરાવી આવતું. હિન્દુને ઘેર મુસ્લિમ અને મુસ્લિમને ઘેર હિંદુ મહેમાનોની ખેતી, વેપાર, અન્ય લેવડદેવડ અર્થે અવરજવર રહેતી. ત્યારે તેમના જમણ-ભોજનની વ્યવસ્થા પણ એકબીજાને ત્યાં કરવામાં આવતી. એ બ્રાહ્મણ શિક્ષકને ઘેર વિદ્યાર્થીઓ ટયુશને આવતા. ઘરનો ઓટલો વિદ્યાર્થીઓથી ભરચક રહેતો. ટયુશનની ફી ઠરાવવાની નહિ અને ઉઘરાણી પણ નહિ કરવાની. બધું સમજૂતીથી થતું. એ શિક્ષક નિવૃત્ત થયા ત્યાં સુધી ગામની એક જ સ્કૂલમાં રહ્યા હતા, જે તેમની ચાહના હતી. ગામમાં કંઇ બખેડો થાય નહિ અને થાય તો આ બ્રાહ્મણ શિક્ષકની મધ્યસ્થીથી નિરાકરણ થતું. એ ગામમાં પારસીઓનાં ઘરો પણ હતાં અને તેઓ પણ આ બ્રાહ્મણ શિક્ષકને માન આપતાં હતાં. ગામમાં હિન્દુ-મુસ્લિમ તહેવારો પણ સહકારથી ઉજવાતા. તાજીયાના જુલુસમાં હિન્દુ સ્ત્રી-પુરુષો પણ સામેલ થતાં હતાં. આવું સહકારની ભાવના સમન્વયવાળું એ ગામ દર બાર વરસે આવતી સિંહસ્થની જાત્રા માટે પણ જાણીતું છે. જાત્રાના આખા વરસ દરમ્યાન એ હિન્દુ શિક્ષકનું ઘર એક વીશી(ભોજનાલય) બની જતું. એ બધું હવે ભૂતકાળની વાતો(કથા) જેવું થઇ ગયું છે, નામશેષ જ કહેવું પડે.
સુરત – જયમણિશંકર દયાશંકર શિંગ્લોન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top