હવે ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનો આરંભ થઈ રહ્યો છે એટલું જ નહીં આગળ જતા ઉનાળો આકરો થશે. આજે મંગળવારે દિવસ દરમ્યાન દમણ અને રાજકોટમાં ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જો કે એકલા કચ્છના નલિયામાં 16 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે રાજયના બીજા અન્ય તમામ શહેરોમાં હવે ગરમીના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજયના કેટલાયે શહેરમાં ધીરે ધીરે આકરા ઉનાળાનો અનુભવ થઈ રહયો છે. બપોરે તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં 72 કલાકની અંદર જ ગરમીનો પારો હજુયે 2થી 3 ડિગ્રી સુધી ઉંચે જવાનો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં દિવસનું તાપમાન વધ્યુ હતું. દક્ષિણ ગુજરાતમાં રાત્રીનું તાપમાન વધ્યુ હતું. જયારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારમાં 27મી ફેબ્રુ. સુધી ગરમ અને ભેજવાળું વાતાવણ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 34 ડિ.સે., ડીસામાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 34 ડિ.સે. વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિ.સે.,વડોદરામાં 34 ડિ.સે., સુરતમાં 36 ડિ.સે., ભૂજમાં 35 ડિ.સે., નલિયામાં 36 ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 34 ડિ.સે., અમરેલીમાં 35 ડિ.સે., ભાવનગરમાં 34 ડિ.સે.,રાજકોટમાં 37 ડિ.સે.,મહુવા 36 ડિ.સે. અને કેશોદમાં 35 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું. જયારે નલિયામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
