સુરત: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ સર્જાતા હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. બુધવારે શહેરના તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ આંશિક ઘટાડો થયો છે. હવામાં ૯૦ ટકાની ભેજ અને દક્ષિણ દિશાનો ૪ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણ વધુ ભિનાશભર્યું બન્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદનો અહેવાલ મળ્યો છે.
બારડોલીમાં ૧૧ મીમી, મહુવામાં ૩ મીમી, પલસાણામાં ૭ મીમી, ચોર્યાસીમાં ૧ મીમી, સુરત શહેરમાં ૪ મીમી અને માંડવીમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અઠવાડિયા સુધી સુરત શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધી વરસાદી માહોલ જામે છે. જો કે બપોર બાદ તડકો આવી જાય છે અને મોડી સાંજ સુધી વરસાદના અણસાર દેખાતા નથી. જો કે, કેટલીક વખત રાત્રિના સમયગાળા દરમિયાન મોટાં વરસાદી ઝાંપટા આવી જાય છે.