સુરત : વલસાડના ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં (Temples) થતી ચોરી અંગે તપાસ હાથ ધરતા રૂરલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. રૂરલ પોલીસે વલસાડના ગ્રામ્ય પંથકના મંદિરમાં ચોરી કરતા વાંસદાના (Vansda) કમ્પ્યૂટર (Computer) એન્જિનિયર (Engineer) યુવકને પકડી પાડી 3 ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બેકારીના કારણે આ યુવક સિક્યુરીટીના ડ્રેસમાં ચોરી કરતો હતો.વલસાડના ખજૂરડી ગામે સ્વામિનારાયણ (Swaminarayan) મંદિરમાં ગત 6 ઓક્ટોબરના રોજ કોઇ યુવાન સિક્યુરીટીના ડ્રેસમાં આવ્યો અને દાન પેટી તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી ગયો હતો.
વાંસદાના 21 વર્ષના યુવાન દિગેશ વિષ્ણુ વાઘિયા પકડી પાડ્યો
જેની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાતા રૂરલ પીઆઇ એસ.એસ.પવારે પોતાની ટીમને કામે લગાડી હતી. તેમની ટીમના એએસઆઇ વિક્રમભાઇ, કોન્સ્ટેબલ વિષ્ણુ, કેવલ વગેરે આરોપીને શોધવા મંડી પડ્યા હતા. તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ મળેલી બાતમીના પગલે આ ચોરી કરનાર વાંસદાના 21 વર્ષના યુવાન દિગેશ વિષ્ણુ વાઘિયા પકડી પાડ્યો હતો. તેની પુછતાછ કરતા તેણે આ મંદિર સિવાય ગોરગામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં અને ઓલગામ દરબડિયા સ્વામિનારાયણ મંદિરમાં પણ ચોરી કરી હતી. જોકે, ખજૂરડી ગામે ચોરી કરતા તે પકડાઇ ગયો હતો.
સિક્યુરીટીના ડ્રેસમાં ચોરીની મોડેસ ઓપરેન્ડી
દિગેશ વાઘિયાએ ડિપ્લોમાં કમ્પ્યૂટર એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ સાથે તે ધરમપુરની શક્તિ સિક્યોરીટી સર્વિસમાં નોકરી પણ કરતો હતો. જેનો ડ્રેસ તેની પાસે હતો. જેના કારણે તે સિક્યુરીટી ડ્રેસમાં જ ચોરી કરવા જતો હતો.
ગુગલ મેપમાં સ્વામિનારાયણ મંદિરો જ શોધતો હતો
દિગેશ વાઘિયા યુવાન અને ભણેલો હોય, તે ગુગલ મેપમાં સ્વામિનારાયણના મંદિરો જ સર્ચ કરી તેને નિશાનો બનાવતો હતો. આગાઉ પણ તેણે સ્વામિનારાયણ મંદિરમાં જ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, ત્રીજી ચોરીમાં તેને પોલીસે ઓળખી કાઢ્યો અને પકડી પાડ્યો હતો.