નવી દિલ્હી: ટેલિકોમ વિભાગ (Department of Telecom) દ્વારા મંગળવારે શરૂ કરાયેલ સંચાર સાથી પોર્ટલ દ્વારા લોકો હવે સમગ્ર ભારતમાં (India) તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોનને (Mobile) બ્લોક (Block) અને ટ્રેક (Track) કરી શકશે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સંચાર સાથી પોર્ટલ દ્વારા લોકો ઉપયોગમાં લેવાતા ડિવાઇસને ખરીદતાં પહેલાં તેને બ્લોક કરી શકશે, ટ્રેક કરી શકશે અને તેની વાસ્તવિકતા ચકાસી શકશે.
વૈષ્ણવે કહ્યું હતું કે, ”સંચાર સાથી પોર્ટલનો પ્રથમ તબક્કો સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (સીઈઆઈઆર) છે. જો તમે તમારો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો પછી તમે આ પોર્ટલની મુલાકાત લઈ શકો છો. ત્યાં કેટલીક ઓળખ ચકાસણી થશે, બાંયધરી માટેની આવશ્યકતા હશે અને તે પછી તરત જ પોર્ટલ કાયદા અમલીકરણ એજન્સીઓ અને ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે સંપર્ક કરશે અને તમારા ખોવાયેલા મોબાઇલ ફોનને બ્લોક કરશે.”
ટેલિકોમ મંત્રીએ કહ્યું હતું કે, વડા પ્રધાનનું સ્પષ્ટ વિઝન છે કે વપરાશકર્તાની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે અને સંચાર સાથી પોર્ટલ હેઠળની સુવિધાઓ તેમના વિઝનને અનુરૂપ છે.
મંત્રીએ કહ્યું કે, ‘તમારા મોબાઇલને જાણો’ સંચાર સાથી સુવિધા છે જે વપરાશકર્તાઓને સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન ખરીદતા પહેલા તેની અસલિયત ચકાસવામાં મદદ કરે છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ”અમને વિશ્વાસ છે કે આ સુધારાઓ સાથે ઓછામાં ઓછા સાયબર છેતરપિંડીની વધતી ઘટનાઓને ગંભીરતાથી નિયંત્રિત કરવામાં આવશે અને અમે તેને નીચે લાવવામાં સક્ષમ થઈશું.” સામાન્ય પ્રથાઓમાંની એક એ છે કે મોબાઇલ ફોનની ચોરી કર્યા પછી બદમાશો ઉપકરણનો આઈએમઈઆઈ નંબર બદલી નાખે છે, જે આવા હેન્ડસેટને ટ્રેકિંગ અને બ્લોક કરવાનું અટકાવે છે. સીઈઆઈઆર વિવિધ ડેટાબેઝની મદદથી નેટવર્ક પર કોઈપણ ક્લોન કરેલા મોબાઇલ ફોનને બ્લોક કરી શકશે.
૪૦.૮૭ લાખ શંકાસ્પદ મોબાઇલ કનેક્શન્સ
કુલ ૪૦.૮૭ લાખ શંકાસ્પદ મોબાઇલ જોડાણો મળી આવ્યા હતા. યોગ્ય ચકાસણી પછી ૩૬.૬૧ લાખ જોડાણો પહેલેથી જ કાપી નાખવામાં આવ્યા છે. બાકીના પ્રક્રિયા હેઠળ છે. આવા મોબાઇલ કનેક્શનના વેચાણ સાથે સંકળાયેલા 40,123 પોઇન્ટ ઓફ સેલ્સ (પીઓએસ)ને સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને ભારતભરમાં 150થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે.