Gujarat

ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ

અમદાવાદ: (Ahmedabad) મોદી અટકને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાદ હવે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejasvi Yadav) વિરુદ્ધ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં (Metro Court) તેજસ્વી યાદવ સામે થયેલી ફરિયાદમાં ગુજરાતીઓને ઠગ સહિતના અશોભનીય શબ્દનો પ્રયોગ કરી અપમાનિત કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમથી આવા નિવેદનો બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

અરજદારે કલમ 499 અને 500 હેઠળ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ અરજીની સુનાવણી 1લી મે-23ના રોજ હાથ ધરાશે. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી. આથી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને રેડ કોર્નર નોટીસ રદ થવાના સવાલ ઉપર વિવાદિત નિવેદન આપ્યું હતું કે, આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.

તેજસ્વી વિરૂદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ યાદવે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન બદલ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. આ મામલે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

જણાવી દઈએ કે સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા થઈ છે. તેમણે ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. બીજી તરફ મેટ્રો કોર્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે પણ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ કર્યો છે. અને હવે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top