સુરત : સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમુછીયા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. રસ્તા વચ્ચે થયેલી આ બબાલનો વીડિયો સ્થાનિકોએ બનાવી લીધો હતો, જેમાં કિશોરો એકબીજા પર પટ્ટા અને લાકડા વડે હુમલો કરતા જોવા મળ્યા હતા. અઠવા વિસ્તારના હીજડા વાડ પાસે આ ઘટના બની હતી. શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. લગભગ 6થી વધુ કિશોરો અને યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા. કિશોરો જાહેર રસ્તા પર જ એકબીજાના વાળ ખેંચીને, ધક્કામુક્કી કરીને અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા. આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફ્રેમ, કમરના પટ્ટા (બેલ્ટ) અને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ હિંસક અથડામણમાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ધોળે દિવસે જાહેર માર્ગ પર પટ્ટા અને લાકડા ઉછળતા જોઈ રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો પણ હેબતાઈ ગયા હતા. કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં અઠવા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવા જેવી બાબત હતી. હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.