Columns

માટીનાં વાસણોનો ઉપયોગ કરીને ફ્રીઝ અને એર કન્ડિશનર બનાવવાની ટેકનોલોજી

આ દુનિયામાં જે સૌથી પહેલું શિલ્પ બન્યું તે માટીનો ઘડો હતો. ભારતમાં હજારો નહીં પણ લાખો વર્ષોથી માટીનાં વાસણોનો ઉપયોગ રસોઈ કરવા ઉપરાંત પીવાનાં પાણીને ઠંડું રાખવા માટે થતો આવ્યો છે. મોહેં-જો-દડોમાં પણ ખોદકામ દરમિયાન માટીનાં વાસણો મળી આવ્યાં હતાં. આજે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી ગઈ હોય તો પણ વિજ્ઞાન માટીનાં વાસણનો વિકલ્પ શોધી શક્યું નથી. માટલાંમાં પાણી જેવું ઠરે છે, તેવું ફ્રીઝમાં કે કુલરમાં પણ ઠરતું નથી. ભારતનાં કેટલાંક લોકો અને આર્કિટેક્ટો હવે મકાનોમાં કાળઝાળ ગરમીનો મુકાબલો કરવા માટે એર કન્ડિશનરનો ઉપયોગ કરવાને બદલે માટીના જુદા જુદા આકારોનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી ગ્લોબલ વોર્મિંગ ઘટે છે, પર્યાવરણનું જતન થાય છે અને કારીગરોને રોજી પણ મળે છે.

પ્રાચીન સમયથી મટકાનો ઉપયોગ થતો આવ્યો છે તેની પાછળ વિજ્ઞાનના સિદ્ધાંતો કામ કરી રહ્યા છે. જ્યારે આ માટીનાં વાસણોમાં પાણી રાખવામાં આવે છે, ત્યારે તે વાસણનાં દરેક છિદ્રમાં પણ ફેલાઈ જાય છે. જ્યારે ઘડાનાં બારીક છિદ્રોમાં ભરેલાં આ પાણીનું બાષ્પીભવન થાય છે, ત્યારે આ પ્રક્રિયામાં તેની સાથે અંદરના પાણીની ગરમી પણ બહાર નીકળી જાય છે. જ્યારે આ પાણીની ગરમી વરાળ દ્વારા છોડવામાં આવે છે ત્યારે અંદર રહેલું પાણી ઠંડું થઈ જાય છે. તેનું કારણ એ છે કે માટલાની બહારની સપાટી પર રહેલું પાણી વરાળ બનવા માટે તેને જે ગરમીની જરૂર હોય છે તે માટલાનાં પાણીમાંથી ગ્રહણ કરે છે, જેને કારણે માટલાની અંદરનું પાણી તરત જ ઠંડું થઈ જાય છે.

આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તેથી જ, સદીઓથી ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડાં પાણી માટે આ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. માટીના ઘડા સસ્તા હોવાથી ગરીબોને પણ પરવડે તેવા હોય છે. ઘડાના ઉપયોગનો સૌથી જૂનો રેકોર્ડ હડપ્પન સંસ્કૃતિમાં જોવા મળે છે, જે ત્રણ હજાર વર્ષથી પણ વધુ જૂનો છે. ગામડાંનાં ઘણા કારીગરો માટીનાં વાસણનો ઉપયોગ કરીને ફ્રીઝ પણ બનાવે છે, જેમાં શાકભાજી, ફળો, દૂધ વગેરે તાજાં રહે છે. આ માટીનાં ફ્રીઝ હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં મળે છે, જેમાં મોંઘી વીજળીની બિલકુલ જરૂર જ પડતી નથી.

હવે આટલી આકરી ગરમીમાં પર્યાવરણ અને ઈમારતોને ઠંડી રાખવું એ અસ્તિત્વનો પ્રશ્ન બની રહ્યો છે. આવી સ્થિતિમાં માટીનાં વાસણો (ટેરાકોટા) નો આ વર્ષો જૂનો ઉપયોગ ઘરના રસોડામાંથી બહાર આવ્યો છે અને અન્ય સ્થળોએ પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ટેરાકોટા એક ઈટાલિયન શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘બળેલી માટી’. ચીન અને ગ્રીસમાં વાસણો બનાવવાથી લઈને ઈજિપ્તમાં કલાકૃતિઓ બનાવવા સુધીની દરેક બાબતમાં તેનો ઉપયોગ થતો હતો.

નવી દિલ્હી નજીક ‘એન્ટ સ્ટુડિયો હેઠળ કૂલએન્ટ’ નામની આર્કિટેક્ચર ફર્મ ચલાવતા મોનિશ સિરીપુરાપુએ માટીની આ જૂની ટેકનોલોજીને સંપૂર્ણપણે નવા પરિપ્રેક્ષ્યથી જોવાનું શરૂ કર્યું.મોનિશનો એક ગ્રાહક ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવે છે. તેમને એક મોટી સમસ્યા હતી કે તેમની ફેક્ટરીમાં ડીઝલ જનરેટર લગાવવામાં આવ્યું હતું તેના કારણે બંને ઈમારતો વચ્ચે એટલી ગરમ હવા નીકળી રહી હતી કે ત્યાં કામ કરતાં લોકો માટે તેને સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. ભારે ગરમીના કારણે તેમને માથાનો દુખાવો થતો હતો અને ચક્કર આવતા હતા.

મોનિશ માટીનાં વાસણો બનાવવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ સમસ્યા હલ કરી શકાય છે કે કેમ તે જોવા માટે પ્રયોગ કરવા માગતો હતો. આ દરમિયાન મોનિશના મનમાં માટલાંનો વિચાર આવ્યો કે જે રીતે માટલાંમાં પાણી ઠંડું થાય છે તેમ આપણે પણ માટીનાં વાસણોની આસપાસની હવાને ઠંડી કરી શકીએ છીએ. મોનિશ સિરીપુરાપુની ડિઝાઇનમાં માટીનાં વાસણો પર રિસાઇકલ પાણી રેડવામાં આવ્યું હતું. આ કામ માટે ૮૦૦-૯૦૦ માટીના શંકુ તૈયાર કરવામાં આવ્યા અને પછી મોનિશની કંપની કૂલન્ટે તે બધાને સ્ટીલની ફ્રેમની અંદર મધપૂડાની જેમ એકબીજાની ઉપર એક હારમાં ગોઠવી દીધા. મોનિશે તેનું નામ મધપૂડો જ રાખ્યું છે. માટીના શંકુને મધપૂડાની જેમ ગોઠવવાનો મોટો ફાયદો એ છે કે તે બિલ્ડિંગને અસરકારક રીતે ઠંડું કરવા માટે જરૂરી સપાટી વિસ્તારને વધારે છે.

મોનિશની કંપનીએ માટીના પાઈપોથી બનેલો પહેલો મધપૂડો સ્થાપિત કર્યો ત્યારથી તેઓએ પૂણેથી જયપુર સુધી દેશભરની ઘણી શાળાઓ, જાહેર સ્થળો, એરપોર્ટ અને બિઝનેસ બિલ્ડિંગોમાં મધપૂડા જેવું એર કન્ડિશનર ઇન્સ્ટોલ કર્યું છે. મધપૂડા જેવી ડિઝાઇન સાથે મોનિશ અને તેના સાથીઓએ અન્ય પ્રકારની ડિઝાઇન બનાવવાનો પણ પ્રયોગ કર્યો છે, જેમાં માટીના શંકુને અલગ-અલગ આકારમાં મૂકવામાં આવ્યા છે અને તેમાંના કેટલાક એવા છે કે જેમાં પાણીનો ઉપયોગ જ થતો નથી. જે રીતે બે ટનનું એર કન્ડિશનર હવાને ઠંડી કરે તે રીતે ૮૦૦-૯૦૦ માટીના શંકુઓ વડે બનેલું પ્રાકૃતિક એર કન્ડિશનર હવાને ઠંડી બનાવે છે. તેનો ખર્ચો એર કન્ડિશનર કરતાં દસમા ભાગનો આવે છે અને તેને વીજળીની જરૂર પડતી નથી.

કેટલાક સંશોધકોએ ઠંડક માટે ટેરાકોટાથી બનેલી અન્ય ડિઝાઇનનો પણ પ્રયોગ કર્યો છે. મહારાષ્ટ્રના મિકેનિકલ એન્જિનિયરિંગનાં કેટલાંક વિદ્યાર્થીઓએ તપાવેલી માટીમાંથી એર કંડિશનર પણ બનાવ્યું હતું. આમાં હવા ખેંચવા માટે પંખાનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી તે જ પંખો આ હવાને ભીની માટી પર ફેંકી દે છે. તેનાથી આસપાસના તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. ભારતમાં ઘણી આર્કિટેક્ચર કંપનીઓ કહે છે કે ટેરાકોટામાંથી બનેલી તેમની ડિઝાઇનને કારણે તાપમાનમાં ઘણો મોટો ઘટાડો થયો છે. આનાથી ઉનાળા દરમિયાન તાપમાનમાં અંદાજે ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળે છે, જેનાથી ખુલ્લી જગ્યાઓ અને ઇમારતોને વધુ કુદરતી રીતે ઠંડાં કરવામાં આવે છે.

કૂલન્ટ કંપનીનો દાવો છે કે માટીમાંથી બનેલી મધમાખીઓ જેવી આ ડિઝાઈન સાથે તેઓએ લગભગ ૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધ્યો છે. જો કે, તાપમાનમાં આ ઘટાડો એ વિસ્તારના ભીના બલ્બની તાપમાન માપવાની પદ્ધતિ પર આધાર રાખે છે. મોનિશ કહે છે કે જો વાતાવરણ પહેલેથી જ એકદમ ભેજવાળું હોય તો માટીના શંકુ પર પાણીનો છંટકાવ કરવાથી પણ તાપમાન બહુ ઓછું નહીં થાય, કારણ કે, ભેજવાળા વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણીનું બાષ્પીભવન થવાની શક્યતા ઓછી હોય છે. કેટલાંક શહેરની ઉપરનું આકાશ ભીના સ્પોન્જ જેવું હોય છે. જો સ્પોન્જમાં પહેલેથી જ પાણી હોય તો તે વધુ પાણી શોષી શકતું નથી. તેમ છતાં તાપમાનમાં થોડી ડિગ્રીનો ઘટાડો પણ ઘણી રાહત આપી શકે છે.

આન્ટ સ્ટુડિયો ઠંડક માટે માટીનો ઉપયોગ કરનાર પ્રથમ આર્કિટેક્ચર કંપની નથી. બેંગલુરુ સ્થિત આર્કિટેક્ચર કંપની  એથ્રેશોલ્ડના સહસ્થાપક અવિનાશ અંકલાગે પણ આવા જ એક આર્કિટેક્ટ છે. અવિનાશની કંપની ટેરાકોટાનો પુનઃઉપયોગ કરીને ઇમારતોને ઠંડક આપવા માટેની સિસ્ટમ બનાવી રહી છે. ઉદાહરણ તરીકે ટેરાકોટાના પડદા બનાવવા માટે નજીકની જૂની ફેક્ટરીની છતની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. અવિનાશ કહે છે કે તેની ડિઝાઇન કુદરતથી પ્રેરિત છે અને આ કોંક્રીટ ટાઇલ્સ ઇમારતોને રક્ષણાત્મક ત્વચાની જેમ ઢાંકી દે છે.

તાજેતરના સમયમાં અમે અમારા ઘણા પ્રોજેક્ટોમાં ટેરાકોટાનો ઉપયોગ કર્યો છે. અમે તેનો ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ. અવિનાશની કંપની એ થ્રેશોલ્ડ દ્વારા ડિઝાઇન કરાયેલ ટેરાકોટા પડદાનો ઉપયોગ દક્ષિણ બેંગલુરુમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો છે. તેને બિલ્ડિંગના દક્ષિણ છેડે લગાવવામાં આવ્યા છે, જેથી સૂર્યની ગરમીથી બચી શકાય. જૂના જમાનામાં મકાનનું પ્લાસ્ટર કરવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ઘરમાં પણ છાણમાટીનું લિંપણ કરવામાં આવતું હતું. હવે તે ટેકનોલોજી પાછી આવી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top