સુરતનું જમણ…જો સુરતની કોઈ ઓળખ હોય તો તે જમણની છે પરંતુ હવે સુરતની ઓળખ બદલાઈ રહી છે. લોકો હવે સુરતને સ્વચ્છ શહેર તરીકે પણ ઓળખે છે. તાજેતરમાં જ સુરતને દેશના સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં બીજો ક્રમ મળ્યો છે. સતત બીજા વર્ષે આ ક્રમ મળ્યો છે ત્યારે સુરત મહાપાલિકા દ્વારા એવા કયા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને એવા કયા ટેકનિકલ પરિબળો હતા કે જેણે સુરતને સ્વચ્છતામાં બીજો ક્રમ અપાવ્યો. ચાલો, આપણે જાણીએ આ પરિબળોને….
ટેકનિકલ સાધનોની મદદથી બીજા ક્રમે પહોંચ્યા, હવે પહેલા ક્રમે પણ પહોંચીશું:
મેયર બોઘાવાલા
કચરાના નિકાલ માટે સુરત મહાપાલિકાએ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને સ્વચ્છતામાં સરળતા લઈ આવ્યા છીએ. ચાહે તે ઘન કચરો હોય, પ્લાસ્ટિક વેસ્ટ કે પછી બાંધકામનો કાટમાળ, સુરત મહાપાલિકાએ રોજ તેને ઉંચકી લેવાની નેમ રાખી છે. શાક માર્કેટમાંથી સડેલા શાકભાજીના નિકાલ માટે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર લગાડ્યા છે. જ્યારે પ્લાસ્ટિક કચરાનું રિ-સાયકલિંગ પણ મહાપાલિકા કરીને રસ્તાઓ બનાવી રહ્યાં છીએ. આ વખતે ભલે બીજો ક્રમ આવ્યો હોય પરંતુ અમે સુરતને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે લઈ જવાની નેમ રાખીએ છીએ તેમ સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું.
દેશમાં ક્યાંય નથી વપરાતી તેવી ટેકનોલોજીનો સુરતમાં સફાઈ માટે ઉપયોગ કરીએ છીએ: મ્યુનિ.કમિ. પાની
સ્વચ્છતા માટે સુરત મહાપાલિકાએ એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે કે જે દેશમાં ક્યાંય વપરાતી નથી. જેમકે ગટર સાફ કરવા માટે રોબોટનો ઉપયોગ, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીનું શુદ્ધીકરણની સાથે સાથે મશીનથી સફાઈનો કોન્સેપ્ટ પણ જૂજ શહેરોમાં જ છે. આ ટેકનોલોજીને કારણે સુરત દેશમાં સ્વચ્છતાના મામલે બીજા ક્રમે પહોંચી શક્યું છે અને હજુ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સફાઇમાં મહેનત કરી અમારા પ્રયત્નો એવા છે કે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લઈ જવું તેમ સુરત મહાપાલિકાના કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
ઓટોમેટિક સફાઈ મશીન
# રોજ 16 લાખ ઘરમાંથી 551 વાહનો દ્વારા 1800 ટન કચરાનું એકત્રિકરણ. આ વાહનો પર જીપીએસ-આરએફઆઈડી દ્વારા લાઈવ ટ્રેકિંગ. સાથે સાથે વ્હીકલની ઓટોમેટિક ઓળખ કરીને તેનું ટ્રાન્સફર સ્ટેશન અને ખજોદ ખાતે ઓટોમેટિક વજન કરાતી પદ્ધતિનું સ્મેક સેન્ટરથી મોનિટરિંગ. ખજોદ ખાતે 100 ટન ખાતર બનાવીને રોજ 3 લાખની મનપાને આ ખાતરમાંથી આવક
ધાર્મિક કચરામાંથી ખાતરનું ઉત્પાદન
# ચોકબજાર અને સિંગણપોર ખાતેના વર્મી કોમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં ધાર્મિક સ્થળો પર એકત્ર થતાં ફુલ-હાર,નાળીયેરના છોતરાને લઈ જઈ તેમાંથી ખાતરનું ઉત્પાદન. એપીએમસી ખાતે બાયો-મિથેનેશન પ્લાન્ટમાં જૈવિક અને ભીના કચરાનું પ્રોસેસિંગ, રોજ 400 ક્યુબિક મીટર બાયોગેસનું ઉત્પાદન
સોસા.માં ટેકનોલોજીથી સફાઈ અનુદાન
# 865 સોસાયટીઓને સફાઈ માટે અનુદાન આપીને સોસા.ને સ્વચ્છ રાખવાનું અભિયાન.
શાક માર્કેટ ખાતે વેસ્ટ કન્વર્ટર
# વેજિટેબલ માર્કેટ ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મુકીને ભીના કચરાનું પ્રોસેસિંગ.
ભૂખ્યાને માટે ફુડ એટીએમ
# શહેરમાં 7 સ્થળોએ ફુડ એટીએમની શરૂઆત કે જેથી ફુડ વેસ્ટ ઘટે.
પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવ્યા રસ્તા
# શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 21.96 કિ.મી.ના રસ્તા બનાવવામાં આવ્યા, પ્લાસ્ટિક પેલેટ્સનો ઉપયોગ કરીને બેંચ, ટાઈલ્સ, ખુરશી બનાવવાનું આયોજન. પ્લાસ્ટિકમાંથી ખાનગી એજન્સી રોકીને વણાટ પ્રક્રિયા માટે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉપયોગ. રોજ પ્લાસ્ટિકનો રિ-યુઝ કરીને 30 ટન અન્ય પ્રોડકટ્સ બનાવીને 75 હજારની રોજની આવકનું આયોજન.
બાયોમાઈનિંગ કરી ઈકોલોજિકલ પાર્કનું નિર્માણ
# 25 લાખ ટન લેગસી વેસ્ટની બાયો-માઈનિંગ પ્રક્રિયા હાથ ધરીને ડમ્પસાઈટનું રિમેડિયેશન કરીને ત્યાં ઈકોલોજિકલ પાર્કનું નિર્માણ.
પ્લાસ્ટિક કોથળીનું રિ-સાઈકલિંગ
# સુમુલ ડેરી સાથે ટાઈઅપ કરી પ્લાસ્ટિક કોથળીના કલેકશન તેમજ નિકાલનું આયોજન, રોજની 1.5 લાખ દૂધની થેલીઓનું કલેકશન અને પ્રોસેસિંગ. લોકો પ્લાસ્ટિકની થેલીનો ત્યાગ કરે તે માટે એનજીઓ સાથે ટાઈઅપ કરીને ઈકો ફ્રેન્ડલી થેલી બનાવવાના પ્રયાસો.
બર્તન બેંક દ્વારા પ્લાસ્ટિક ફ્રી સુરત
# પ્લાસ્ટિક ફ્રી સુરત બનાવવા માટે 100થી વધુ બર્તન બેંક શરૂ કરવામાં આવી કે જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે.
રબર સહિતના કચરાનું રિ-સાઈકલિંગ
# રબર, કાચ, કાર્ડબોર્ડ અને કાગળ સહિતના કચરાને મરિટિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર ખાતે રિ-સાઈકલ કરવાની સુવિધા
હોટલોમાંથી કચરાનું કલેકશન
# સુરતની 250 હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા મોબાઈલ કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા-ઓનસાઈટ ભીના કચરાનું પ્રોસેસિંગ કરી ખાતર બનાવવાની પદ્ધતિ
શૌચાલયોમાં ઈન્સીનરેટર મશીન
# તમામ શૌચાલયોમાં મહિલા-પુરૂષ માટે અલગ વ્યવસ્થા, સફાઈ રજિસ્ટર સહિત અન્ય માળખાકીય સુવિધા
# મહિલાઓ માટે 50 જાહેર શૌચાલયોમાં સેનિટરી નેપકીન વેન્ડિંગ મશીન તેમજ ઈન્સીનરેટર મુકાયા
# શૌચાલયની બહાર કુંડા મુકવાની સાથે ટ્રી-પ્લાન્ટેશન કરાયું