Gujarat

એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનો નિર્ણય

ગાંધીનગર: ટેકનોલોજીના (Technology) આધારે રાજયભરના લોકોની સમસ્યાઓનું નિવારણ કરવા ગાંધીનગરમાં (Gandhinagar) યોજાતો મુખ્યપ્રધાનનો સ્વાગત ઓન લાઈન લોક દરબારના (Welcome to Online Lok Darbar) કાર્યક્રમને હવે 20 વર્ષ પૂરા થવા સાથે તે 21માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. રાજયના તત્કાલીન સીએમ (CM) નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કર્યો હતો. ”સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી”-સ્વાગત કાર્યક્રમ હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે.આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ દર મહિનાના ચોથા ગુરૂવારે આ રજુઆતો સાંભલીને તેનો નિકાલ કરે છે. ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા.૧૧ થી ર૯ એપ્રિલ સુધી યોજવાના આયોજનને સામાન્ય વહીવટ વિભાગે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આખરી ઓપ આપ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ આયોજન સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

તદ્દઅનુસાર, તા.૧૧ થી ૧૭ એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ હેતુસર સંબંધિત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકાના મોટા ગામોની પસંદગી કરી અરજી સ્વીકારવા માટેના કેમ્પ યોજાશે. કેમ્પમાં મળેલી આવી અરજીઓનો તાલુકા સ્વાગતમાં સમાવેશ કરીને ઝડપથી નિરાકરણ લાવવા અને ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે નોડલ ઓફિસર તરીકે વર્ગ-ર ના એક અધિકારીની નિમણૂંક કરાશે. એટલું જ નહિ, તા.૧પ એપ્રિલ-ર૦ર૩ શનિવારે બાયસેગ-સેટકોમ દ્વારા તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વાગત સપ્તાહ દરમ્યાન તા.ર૪ એપ્રિલથી તા.ર૬ એપ્રિલ સુધીમાં ૩૩ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તાલુકા વાઇઝ સ્વાગત યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અધ્યક્ષતા કરશે. તાલુકા સ્વાગતના પ્રશ્નોની સમીક્ષા દર મહિને યોજાતી મહેસૂલી અધિકારીઓની બેઠકમાં પણ હાથ ધરાશે. ગ્રામ અને તાલુકા સ્વાગતની પરિપાટીએ તા.ર૭ એપ્રિલે જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવા સાથે તાલુકા કક્ષાએ હલ ન થયા હોય તેવા પ્રશ્નોનું જિલ્લા સ્વાગતમાં નિરાકરણ લાવવાનું આયોજન કરાશે. આ ઉપરાંત જિલ્લા સ્વાગતમાં રજુ થયેલા પ્રશ્નોનું ઝૂંબેશ સ્વરૂપે નિવારણ થાય તે માટે દરેક જિલ્લા કલેક્ટરઓએ આયોજન હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. જિલ્લા સ્વાગતના પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતી બેઠકમાં કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.ર૭ એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમની અધ્યક્ષતા કરશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી કરવાના છે.

Most Popular

To Top