મેટા કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને ૨૪ કલાકની નોટિસમાં છૂટા કર્યા તે પછી એમેઝોન કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. એમેઝોનમાં કુલ આશરે ૧૫લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે જોતાં ૧૦,૦૦૦ની સંખ્યા નગણ્ય ગણાય, પણ ટેક જાયન્ટ કંપનીઓ વિસ્તરણ કરવાને બદલે સંકોચન કરી રહી છે તે ચિંતાની વાત છે. મૂડીવાદના વાયરામાં દુનિયાની કોઈ પણ નોકરીસલામત રહેવાની નથી. જે સરકારી નોકરીને લોકો આજે સલામત માને છે તે સરકારી તંત્ર પણ ધીમે ધીમે ખાનગી કંપનીઓને સોંપાઈ રહ્યું છે.
આજે આઈઆઈટીના ફ્રેશ એન્જિનિયરને કદાચ વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનું પેકેજ સહેલાઈથી મળી જતું હશે, પણ તે નોકરી ટકાવી રાખવા તેણે કાયમી સંઘર્ષ કરવો પડે છે. તેઓ એક માણસને નોકરીમાં રાખે છે, તેને બે માણસનો પગાર આપે છે, પણ તેની પાસે ત્રણ માણસનું કામ કરાવે છે. જો અડધી રાતે પણ બોસનો ફોન આવે તો તેણે કામ કરવા તૈયાર રહેવું પડે છે. હનિમૂન છોડીને પણ ફરજ પર લાગી જવું પડે છે. તેમ છતાં ગમે ત્યારે નોકરી જશે, તેવા સ્ટ્રેસ સાથે તેણે કામ કરવું પડે છે. જો સારા પગારની નોકરી જાય તો ઘર, કાર, ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન વગેરેના હપ્તા ભરવા આકરા થઈ જાય છે.
ટેક જાયન્ટ કંપનીઓ હજારોની સંખ્યામાં તેમના કર્મચારીઓને છૂટા કરી રહી છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેમને જાણ થઈ ગઈ છે કે દુનિયાનું અર્થતંત્ર જે દિશામાં જઈ રહ્યું છે, તે જોતાં મહામંદી આવી રહી છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન લોકો ઘરે પૂરાઈ રહ્યા હોવાથી એમેઝોન જેવી કંપનીઓનો વકરો બેફામ વધી ગયો હતો. વળી ઘરમાં જ રહેવાનું હોવાથી તેમની સોશિયલ મીડિયામાં સક્રિયતા બહુ વધી ગઈ હતી. આ વધેલા કામકાજને પહોંચી વળવા ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા લાખો લોકોને નોકરીમાં રાખવામાં આવ્યા હતા. તેમણે ધાર્યું હતું કે લોકડાઉન પૂરું થયા પછી પણ લોકોને આદત પડી જશે, પણ તેવું ન બનતા તેમના ધંધામાં જોરદાર ઓટ આવી છે.
હવે લોકડાઉન પૂરું થયું છે અને લોકો કામ કરવા પાછા ઓફિસોમાં જવા લાગ્યા છે. જે લોકો ઘરે બેસીને મનોરંજન મેળવતા હતા તેઓ હવે ઘરની બહાર નીકળવા લાગ્યા છે, મુસાફરી કરવા લાગ્યા છે અને લોકો સાથે હળવાભળવા લાગ્યા છે, જેને કારણે તેમની સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.
મેટા કંપનીએ ધાર્યું હતું કે તેમના મેટાવર્સ પ્લેટફોર્મને જબરદસ્ત આવકાર મળશે. તેની પાછળ તેમણે બેફામ ખર્ચો કર્યો હતો, પણ લોકો મેટાવર્સ પાછળ પાગલ બન્યા નથી. મેટાવર્સનું ગિયર ખરીદવા માટે જ તેમણે લાખેક રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. એટલા રૂપિયા ખર્ચવા લોકો તૈયાર નથી, જેને કારણે મેટાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. લોકોને જો પસંદગીની તક આપવામાં આવે તો તેઓ કૃત્રિમ જિંદગી જીવવાને બદલે કુદરતી જિંદગી જીવવાનું વધુ પસંદ કરે છે.
આ કારણે ટેક જાયન્ટ કંપનીઓની ગણતરી ખોટી પડી છે. બીજી બાજુ મંદીનો પ્રારંભ થઈ ગયો છે. ચીજોના ભાવો વધી રહ્યા છે, પણ લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે. લોકો જે ચીજો અત્યંત જરૂરી હોય તે ખરીદવા માટે બિનજરૂરી ચીજો ખરીદવાનું ટાળી રહ્યા છે. આ કારણે મનોરંજન અને પર્યટન ઉદ્યોગને ફટકો પડ્યો છે. એમેઝોન જેવી કંપનીઓ નાતાલના વેકેશન પહેલાં હજારોની સંખ્યામાં કામદારોને કાઢીમૂકે તેનો અર્થ થાય છે કે લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે.
જો એમેઝોનના ત્રીજા ક્વાટરના પરિણામોનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવી જશે કે નાતાલમાં ઘરાકીની ઋતુ પહેલાં તેણે શા માટે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે? જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૨ના ત્રણ મહિનામાં એમેઝોનના કુલ વેચાણમાં ૧૫ ટકાનો વધારો થયો છે, પણ તેના નફામાં ઘટાડો થયો છે. આ ત્રણ મહિના દરમિયાન તેનું વેચાણ વધીને ૧૨૭ અબજ ડોલર પર પહોંચ્યું હતું, પણ નફો ૪.૯ અબજ ડોલરથી ઘટીને ૨.૫ અબજ ડોલર પર પહોંચી ગયો છે. મેટા કંપનીના નફામાં પણ ગયાં વર્ષની સરખામણીએ ૫૨ ટકાનો ઘટાડો થયો છે.
ગયાં વર્ષના બીજા ક્વાટરમાં તેનો નફો ૯૧.૪ અબજ ડોલર હતો, જે ઘટીને આ વર્ષે ૪૩.૫ અબજ પર આવી ગયો છે. બીજી ટેક જાયન્ટ કંપનીઓના નફામાં પણ તેટલા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. મેટા કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી તે પછી તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને ઉદ્દેશીને લખેલા પત્રમાં પેટછૂટી કબૂલાત કરી હતી કે ‘‘ઘણા લોકોની આગાહી હતી કે મહામારી દરમિયાન વેપારમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તે કાયમી રહેશે, પણ તે આગાહી ખોટી પુરવાર થઈ છે. મેં પણ તે આગાહી સાચી માનીને રોકાણ વધારી દીધું હતું.’’
ભારતના અને ચીનના ઘણા નાગરિકો મેટામાં નોકરી મળી હોવાથી એચવનબી વીસા લઈને અમેરિકા ગયા હતા. હવે તેમણે નોકરી ગુમાવી હોવાથી તેમના વીસા પણ નકામા થઈ જશે. તેમને ભારત પાછા કેવી રીતે લાવવા? તેની મૂંઝવણ પેદા થઈ છે. મેટા કંપનીએ આવા કર્મચારીઓને મદદ કરવા ઇમિગ્રેશનના નિષ્ણાતો દ્વારા ચાલતી હેલ્પલાઇન ચાલુ કરી છે, પણ તે હેલ્પલાઇન પર કોઈ ફોન જ ઉઠાવતું નથી. મેટા કંપનીએ જાહેરાત કરી છે કે જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમને ૧૬ સપ્તાહનો પાયાનો પગાર ચૂકવવામાં આવશે. વધુમાં જેટલાં વર્ષ નોકરી કરી હોય તેટલાં સપ્તાહનો વધારાનો પગાર પણ ચૂકવવામાં આવશે. તેમને આરોગ્ય વીમાના લાભો પણ મળશે. તેમને બાકી ઓવરટાઇમ પણ ચૂકવી દેવામાં આવશે, પરંતુ નોકરી જવાને કારણે જે નુકસાન ગયું હોય તે ભરપાઈ થઈ શકે તેવું નથી. મંદીના દોરમાં નવી નોકરી મેળવવી મુશ્કેલ બની જાય છે.
એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું તે પછી તેમણે અડધા કાયમી કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. તદુપરાંત જે ૫૫૦૦ કર્મચારીઓ કોન્ટ્રેક્ટ પર હતા તેમાંના ૪૪૦૦ને છૂટા કરવામાં આવ્યા છે. એલન મસ્કે જે રીતે કર્મચારીઓને ફાયર કર્યા છે, તેની પણ ટીકા થઈ રહી છે. ભારતના લગભગ તમામ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે, જેમાં સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓ તો પોતાના ઘરેથી ઓફિસે જવા નીકળી ગયા હતા. તેમને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે તેમણે ઓફિસે આવવાની જરૂર નથી. આ રીતે કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી તેના વિરોધમાં કેટલાક ટોચના અધિકારીઓએ સામે ચાલીને રાજીનામાં આપ્યાં હતાં. તેમાં ટ્વિટરના સલામતી ખાતાંના ટોચના અધિકારી યોએલ રોથનો પણ સમાવેશ થતો હતો. તેને કારણે ટ્વિટરના ડેટાની સલામતી પણ ભયમાં આવી ગઈ છે.
ટેક જાયન્ટ કંપનીઓમાં જોવા મળતી કટોકટી સૂચવે છે કે મહામારી પછી વિશ્વનું અર્થતંત્ર હવે મહામંદીના દોરમાં પ્રવેશ કરી રહ્યું છે. આ મંદીના કાળમાં આર્થિક ગતિવિધિઓ ઘટી જશે, લોકોની ખરીદશક્તિ ઘટી જશે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટી જશે, બેકારી વધી જશે અને વ્યાજના દરો પણ વધી જશે. આ સંયોગોમાં લોકો લોનના હપ્તાઓ ચૂકવવામાં મુશ્કેલી અનુભવશે. જો મોટી સંખ્યામાં લોન ખોટી થઈ જાશે તો બેન્કો પણ ઉઠી જશે. લોકોની નોકરીઓ સલામત નથી તેમ બેન્કોમાં મૂકેલા રૂપિયા પણ સલામત નથી. આવા કપરા કાળમાં જેઓ ખોટા ખર્ચાઓ ઘટાડશે અને બચત વધારશે તેઓ જ ટકી રહેશે. આ કાળમાં કીમતી ધાતુમાં રોકાણ કરવું સલાહભર્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.