સુરત : (Surat) સુરતના ડુમસમાં (Dumas) ઓસિયન ડ્રાઇવ એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડે (Security Guard ) સ્લાઈડિંગ બારીને બળપૂર્વક ખોલીને યુવતીની (Girl) છેડતી (Molestation) કરી હતી. આ યુવક અન્ય યુવતીઓની સાથે પણ છેડતી કરતો હોવાની ફરિયાદ (Complaint) પોલીસમાં (Police) નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મુળ પંજાબની વતની એક યુવતી સુરતના જાણીતા ક્લબમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને 15 દિવસ પહેલા જ તે સુરતમાં રહેવા આવી હતી. આ યુવતી નોકરીએથી છુટી રાત્રે 12.30 વાગ્યે પોતાના ઘરે પહોંચી હતી, તે કપડા બદલાવી રહી હતી તે દરમિયાન ડુમસના ઓસિયન ડ્રાઇવમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતો સુનીલ માનસિંગ ડામોર ગેલેરીમાં પ્રવેશ્યો હતો અને જોરથી ધક્કો મારીને સ્લાઈડિંગ બારી ખોલી નાંખી હતી. જેથી યુવતી ગભરાઇને બાથરૂમમાં ચાલી ગઇ હતી અને 100 નંબરમાં ફોન કરી દીધો હતો.
થોડીવાર બાદ તે બહાર આવી ત્યારે સુનીલ રૂમનો દરવાજો ખોલીને ભાગી ગયો હતો. આ યુવતીએ તેની સાથે કામ કરતી અન્ય યુવતીને પણ આ બાબતની જાણ કરી હતી. પોલીસે સુનીલ ડામોરની સામે ગુનો નોંધીને તપાસ કરી હતી. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી અન્ય યુવતીઓને પણ બિભત્સ નજરે જોતો હતો અને એક યા બીજા કારણોસર તેઓના રૂમમાં જઇને હેરાન કરતો હતો. પોલીસે આ ગુનો નોંધી સુનીલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મંદબુદ્ધિની યુવતીનો હાથ પકડી છેડતી કરનાર યુવકને બે વર્ષની સખત કેદની સજા
સુરત : મહિધરપુરા વિસ્તારમાં મંદબુદ્ધિની યુવતીનો હાથ પકડીને તેને સુવા માટે કહીને છેડતી કરનાર યુવકને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને 2 વર્ષની સખત કેદની સજા કરી હતી. સાથે જ કોર્ટે ચૂકાદામાં લખ્યું કે, આરોપી સારુ-નરસુ સમજી શકે તેવી માનસિકતા ધરાવે છે, જ્યારે ભોગ બનનાર કશુ સમજી શકે તેમ નથી અને આવા કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં.
આ કેસની વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં એક મહિલા અને તેની મંદબુદ્ધિની યુવતી ઊભી હતી ત્યારે ત્યાં અશોક બદ્રીપ્રસાદ તિવારી નામનો યુવક આવ્યો હતો. આ યુવકે યુવતીનો હાથ પકડીને કહ્યું કે, ચાલ મારી સાથે સૂવા. આ બાબતે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને અશોકની ધરપકડ કરી હતી. આ દરમિયાન કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મનીષ રાણપરાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અશોકને તકસીરવાર ઠેરવ્યો હતો અને 2 વર્ષની સખત કેદની સજા તેમજ 2 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું હતું કે, આ કેસને ફરિયાદીની સોગંદ ઉપરની જુબાનીના આધારે સમર્થન મળ્યું છે. આરોપીએ કરેલો ગુનો સ્ત્રી વિરુદ્ધનો છે. ભોગબનનાર મંદબુદ્ધિની સ્ત્રી છે. આરોપીએ કરેલું કૃત્ય સુસંસ્કૃત સમાજમાં ન શોભે તેવું વર્તન કર્યું છે અને એક સ્ત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી છે. આરોપી સારુ-નરસુ સમજી શકે તેવી માનસિકતા ધરાવે છે, જ્યારે ભોગ બનનાર મહિલા કશુ સમજી શકે તેમ નથી. આવી ઘટનાને હળવાશથી લેવાય તો સ્ત્રી જાહેરમાં મુક્ત રીતે હરીફરી શકે નહી અને સમાજમાં સ્ત્રી અસુરક્ષિત છે તેવી લાગણી અનુભવે ઉપરાંત આવા પ્રકારના ગુનાને પણ ઉત્તેજન મળે તેમ છે.