ભરૂચ: ભરૂચના કુકરવાડા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારી યુવકે સહકર્મી યુવતીને એકતરફી પ્રેમમાં પાગલ બની લગ્ન માટે દબાણ કરી ગળે લગાડવા અને ચુંબન કરવાની કોશિશ કરી અડપલાં કરવાના પ્રકરણમાં તાલુકા પોલીસમથકમાં ગુનો દાખલ થયો છે.
- ટીમ લીડર દર્શક સિંધેએ સહકર્મી યુવતીને ધમકી આપી: ‘મારી સાથે લગ્ન નહીં કરે તો હું ગમે તે કરી બેસીશ અને જાતે જ મરી જઈશ’
- સતત સાત મહિનાથી પાછળ પડેલા પાગલ યુવક દર્શકથી કંટાળી યુવતીની પોલીસ
ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલે છે. કંપનીની વર્કિંગ ઓફિસ કુકરવાડા ખાતે આવેલી છે. આ પ્રોજેક્ટમાં ટીમ લીડર તરીકે દર્શક ચંદ્રશેખર સિંધે (રહે.,AA/૧૦૧ સાંઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, બોરગાંવ રોડ, દાતરઅલી, જિ.રાઈગઢ, મહારાષ્ટ્ર) એક વર્ષથી નોકરી કરે છે. આ જ ઓફિસમાં ૨૫ વર્ષની યુવતી સાથે દર્શક સિંધેને તા.૨૫ માર્ચ-૨૦૨૨થી તા.૨૧ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ સુધી સતત એકતરફી પ્રેમ હતો. જેથી યુવતીની એકલતાનો લાભ લઈ તે પરેશાન કરતો હતો.
દર્શક સિંધે સહકર્મી યુવતીને ધમકી આપતો હતો કે, મારી સાથે લગ્ન નહીં કરે તો હું ગમે તે કરી બેસીશ અને જાતે જ મરી જઈશ. યુવતી ઓફિસેથી છૂટે એટલે એની પાછળ આવતો હતો અને જબરદસ્તી મળવાની કોશિશ કરતો હતો. આ મુદ્દે કંપનીના ઉચ્ચ હોદ્દા પરના અધિકારીઓ પણ દર્શકને સમજાવતા હતા. કંપનીને લેખિતમાં જાણ કરતાં ઇન્વેસ્ટિગેશન કરીને યુવતીને રિપોર્ટ આપ્યો હતો. ઓફિસમાં એકલતાનો લાભ લઈ યુવતીને જકડી લઇ ગળે લગાવી ચુંબન કરવાની કોશિશ સહિત અડપલાં કર્યા હોવાનો FIRમાં આક્ષેપ કરાયો હતો. દર્શક સિંધે યુવતીની નજર સામે જ હાથમાં બ્લેડ અને શરીર પર કાચ મારીને ઈજા પહોંચાડી પ્રેમમાં ગળાડૂબ હોવાનું દર્શાવતો હતો. આખરે કંટાળેલી યુવતીએ ભરૂચ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ આપતાં દર્શક ચંદ્રશેખર સિંધે વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, એકતરફી પ્રેમમાં પાગલ યુવકને નોકરીમાંથી છૂટો કર્યા બાદ પણ તેની ઓફિસમાં નોકરી કરતી મહિલા સાથે લગ્નની જીદ પકડી રાખી હતી. તે ફોન કોલ અને વોટ્સએપ મેસેજ કરી મારી સાથે લગ્ન કર, નહીંતર હું કંઈ પણ કરી નાંખીશ એવી ધમકી આપતો હતો. આખરે યુવતીએ યુવકે કરેલા મેસેજ અને ધમકીના ઓડિયોના પુરાવા પોલીસ સમક્ષ FIR વખતે આપ્યા હતા.