Sports

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ (Indian Cricketer) માટે 2 એપ્રિલના રોજ રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું (Salim Durani) 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના (Gujarat) જામનગરમાં (Jamnagar) આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. દુર્રાનીને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. દુર્રાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, ઉપરાંત 75 વિકેટ લીધી હતી.

પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે દુર્રાની ક્રિકેટના દિગ્ગજ અને પોતાનામાં એક ઇન્સ્ટિટ્યૂટ હતા. તેમણે વિશ્વ ક્રિકેટમાં ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મેદાન પર અને મેદાનની બહાર પોતાની આગવી શૈલી માટે જાણીતા હતા.

અફઘાનિસ્તાનમાં જન્મેલા દુર્રાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે
ભારતીય સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. પરંતુ જ્યારે દુર્રાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુર્રાનીનો પરિવાર ભારત આવ્યો હતો. દુરાનીએ 60-70ના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી. દુરાની ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેમણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુર્રાની આતિશી બેટિંગ માટે જાણીતા હતા. આ સાથે દુર્રાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.

પરવીન બાબી સાથે ફિલ્મમાં કામ કર્યું હતું
સલીમ દુર્રાનીએ છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1973માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમી હતી. ત્યારબાદ 1973માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો. સલીમે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પરવીન બાબી ખૂબ જ સુંદર હીરોઈન હતી.

Most Popular

To Top