નવી દિલ્હી: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે લગભગ એક મહિના સુધી ચાલેલા T20 વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. ટીમે અતિ રોમાચંક ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. જોકે વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત બ્રિગેડ બારબાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમના ખેલાડીઓ હોટલની બહાર પણ નીકળી શકતા નથી ત્યારે તેઓ ક્યારે અને કેવી રીતે ભારત પરત આવશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
હરિકેન બેરીલ ગ્રેડ 3નું વાવાઝોડું બાર્બાડોસ તરફ આગળ વધી રહ્યું છે. આ વધુ ખતરનાક બની રહ્યું છે. બારબાડોસમાં કરફ્યુ જેવી સ્થિતિનું સર્જન થયું છે. તંત્રએ લોકોને બહાર ન નીકળવા સૂચના આપી છે. એરપોર્ટ બંધ કરી દેવાયા છે. ફ્લાઈટો ઉડી રહી નથી. ભારતીય ટીમ પણ હોટલની અંદર જ રહેવા મજબૂર બની છે. વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયા બારબાડોસમાં જ ફસાઈ ગઈ છે.
ભારતીય ટીમ જે હોટલમાં છે તે દરિયાકાંઠાની નજીક છે અને કેટેગરી 3 વાવાઝોડાથી ત્રાટકે તેવી શક્યતા છે. આ વાવાઝોડું રવિવારની મધ્યરાત્રિએ અથવા સોમવારે વહેલી સવારે બાર્બાડોસમાં ત્રાટકે તેવી ધારણા છે. બાર્બાડિયન વડા પ્રધાન મિયા મોટલીએ જાહેરાત કરી છે કે ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ રવિવારે રાત્રે તોફાનને કારણે બંધ રહેશે, કોઈપણ ફ્લાઇટ્સને લેન્ડ અથવા ટેકઓફ કરવાથી અટકાવશે.
જો કે, ભારતીય ટીમ ફ્લાઇટ પકડી શકશે કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ જો તેઓ ખરાબ હવામાનમાં ફસાઈ જશે તો ટીમ ઈન્ડિયા 36 થી 48 કલાક સુધી બાર્બાડોસમાં રહેશે.
ભારતીય ટીમના નજીકના એક સૂત્રએ કહ્યું, ભારતીય ટીમ હાલમાં બાર્બાડોસની હોટેલ હિલ્ટનમાં ફસાયેલી છે. ટીમ ઈન્ડિયા સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે બાર્બાડોસથી રવાના થવાની હતી. જો કે હવે વાવાઝોડાને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ટીમનો રૂટ પહેલા ન્યુયોર્ક જવાનો હતો. ત્યાંથી ટીમ કનેક્ટિંગ ફ્લાઈટ લઈને દુબઈથી ભારત જવાની હતી, પરંતુ હાલ શિડ્યુલ મુજબ ભારતીય ટીમ બારબાડોસથી રવાના થાય તેવી સંભાવના ખૂબ ઓછી છે.
બીસીસીઆઈ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી રહી છે
ક્રિકબઝના અહેવાલ મુજબ ભારતીય ટીમ બારબાડોસમાં ફસાઈ હોવાથી બીસીસીઆઈએ ખેલાડીઓને ભારત પરત લાવવાની યોજનામાં ફેરબદલ કરવાની ફરજ પડી છે. ખેલાડીઓ, તેમના પરિવારના સભ્યો, બીસીસીઆઈના સ્ટાફ સહિત 70થી વધુ લોકોને બારબાડોસથી ડાયરેક્ટ નવી દિલ્હીની ચાર્ટર્ડ ફ્લાઈટમાં લાવવાનું પ્લાનિંગ જય શાહ કરી રહ્યાં છે.