પાછલું વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખુબ સારું રહ્યું. હવે ટીમ ઇન્ડિયા નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ વર્ષના પહેલા જ મહિના જાન્યુઆરીમાં ઘણા પડકારોનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા આ મહિને કુલ આઠ મેચ રમશે. નોંધપાત્ર વાત એ છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થનારા ICC T20 વર્લ્ડ કપ માટે આ અંતિમ ડ્રેસ રિહર્સલ હશે.
ટીમ ઈન્ડિયા 2026 ની શરૂઆતમાં ન્યુઝીલેન્ડની યજમાન બનશે. બંને ટીમો પહેલા ODI શ્રેણી રમશે, ત્યારબાદ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ બરોડામાં રમાશે. શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે BCCI પસંદગી સમિતિ શનિવાર અને રવિવાર વચ્ચે ટીમની જાહેરાત કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ શ્રેણીમાં રમતા જોવા મળશે. તેમની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 શ્રેણીનું આ શેડ્યૂલ
આ પછી T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી શરૂ થશે. પહેલી મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે. બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ સાથે જાન્યુઆરી મહિનો પૂરો થશે અને ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ શ્રેણી પણ સમાપ્ત થશે.
ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપની પહેલી મેચ 7 તારીખે
ફેબ્રુઆરી મહિનો વધુ મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિનો T20 વર્લ્ડ કપ શરૂ થશે અને માર્ચ સુધી ચાલુ રહેશે. T20 વર્લ્ડ કપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા શરૂઆતના દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે ટકરાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર આ ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચશે.