Sports

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું, કાનપુર ટેસ્ટ 7 વિકેટે જીતી

કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. વરસાદથી પ્રભાવિત મેચના છેલ્લા દિવસે મંગળવારે ભારતને 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ભારતીય બેટ્સમેનોએ 17.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલે 51 રન બનાવ્યા હતા. કોહલી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિકેટકીપર રિષભ પંતે ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ એવો ચમત્કાર કર્યો જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વ્હાઇટવોશ કર્યુ હતુ. આ રીતે ભારતે ઘરઆંગણે નવો ઈતિહાસ રચ્યો. ભારતે પ્રથમ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી અને હવે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ઘરઆંગણે મોટી સિદ્ધિ મેળવી છે.

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાની આ સતત 18મી શ્રેણી જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ ઘરઆંગણે સૌથી વધુ સતત શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ મામલે બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે જેણે ઘરઆંગણે સતત 10 સિરીઝ જીતવાની મોટી સિદ્ધિ મેળવી હતી. તમને જણાવી દઈએ કે ભારત છેલ્લા 12 વર્ષથી ઘરઆંગણે એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી હતી. ત્યારે ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 2-1થી હરાવ્યું હતું. આ શ્રેણી બાદથી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. છેલ્લા 12 વર્ષમાં ભારતે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણીમાં વિરોધી ટીમને હરાવ્યું છે.

કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. આ દરમિયાન બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 3 વિકેટે 107 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતે ચોથા દિવસે આક્રમક રીતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ટીમ સ્કોર 50, 100 અને 200 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 285/9 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો.

બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ માત્ર 146 રન જ બનાવી શકી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો. છેલ્લા દિવસે બીજા સેશનમાં ભારતીય દાવની ધમાકેદાર શરૂઆત થઈ હતી પરંતુ રોહિત શર્મા સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ગિલ પણ 6 રન બનાવીને ત્યાંથી નીકળી ગયો હતો. આ પછી વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ચાર્જ સંભાળ્યો અને આ રીતે ભારત મેચની સાથે સાથે શ્રેણી પર કબજો કરવામાં સફળ રહ્યું.

Most Popular

To Top