નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે 4 જુલાઇએ આખરે ભારત પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે 1 જૂને નીકળી શકી ન હતી. ત્યારે આજે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા બાર્બાડોસથી સીધા દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ક્રિકેટ રસીયાઓએ ટીમને ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી વધાવી લીધા હતા.
આજે 4 જૂને સવારે જ્યારે ટુમ ઇન્ડિયા સવારે 6:30 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચી હતી. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ એરપોર્ટથી હોટલ જવા રવાના થઇ હતી. ટીમ હોટલ પહોંચે તે પહેલા જ ત્યાં ઘણા ચાહકો હાજર હતા. ત્યારે હોટલ પહોંચ્યા બાદ તરત જ ગેટ પર ચાહકોએ રોહિત અને ટીમનું સ્વાગત કર્યું હતું. હવે સૌથી પહેલા સવારે 11 વાગ્યે ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને ત્યાર બાદ આખી ટીમ મુંબઈ જવા રવાના થશે જ્યાં સાંજે 5 વાગ્યે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટથી બહાર નીકળતી વખતે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી હાથમાં પકડી હતી, જેમાં તેમણે ચાહકોને ટ્રોફી બતાવી હતી. જણાવી દઇયે કે રોહિત અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ટીમ બસ હોટલ જવા રવાના થઈ
ભારતીય ટીમના ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી નીકળ્યા બાદ ટીમ બસમાં બેઠા હતા ત્યારે બસમાં સૌથી પહેલી સીટ ઉપર વિરાટ કોહલી બેસેલા હતા જેમણે દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ કોહલીએ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું.
BCCI દ્વારા ખેલાડીઓનો ખાસ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો
BCCI દ્વારા પ્લેનની અંદર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો એક ખાસ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તમામ ખેલાડીઓ ટ્રોફીને વારંવાર જોતા જોવા મળે છે. બીસીસીઆઈએ આ વીડિયો ઈટ્સ કમિંગ હોમના કેપ્શન સાથે પોસ્ટ કર્યું હતો.
BCCI દ્વારા ટીમ ઇન્ડિયાને ઇનામની રકમ આપવામાં આવશે
ભારતીય ટીમના 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાની ખુશીમાં BCCIએ ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મેમ્બર માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી, જે BCCI સેક્રેટરી જય શાહ દ્વારા આજે યોજાયેલી વિક્ટ્રી પરેડ બાદ ટીમ ઈન્ડિયાને આપવામાં આવશે.
ટીમ ઇન્ડિયાનું ભઅરત આવ્યા બાદનું શેડ્યુલ
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી BCCI દ્વારા બુક કરવામાં આવેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં ભારત આવવા રવાના થઈ હતી. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીય પત્રકારો પણ આ જ ફ્લાઈટમાં ભારત આવ્યા હતા. બુધવારે રવાના થયા બાદ ભારતીય ખેલાડીઓ જ્યારે એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ટીમ ઇન્ડિયાનો રોડ શો થશે અને બાદમાં BCCI દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાના આ રોડ શોનું આયોજન સાંજે 05 વાગ્યે કરવામાં આવ્યું છે. બીસીસીઆઈ સેક્રેટરીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી.
મુંબઈ પહોંચ્યા બાદ 2007ના પ્રથમ વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમનું જે રીતે સ્વાગત અને રોડ શો કરવામાં આવ્યો હતો તે જ રીતે રોહિત શર્માની કેપ્ટનસીની ટીમની પણ પરેડ થશે. જે સાંજે 5 વાગ્યે મુંબઇના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતની બસમાં થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં ટીમને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.