ચાલુ શૈક્ષણિક વર્ષનું શાળા અને કોલૅજોમાં શિક્ષણનું કાર્ય સંપન્ન થઈ ગયું છે. અત્યારે શાળા અને કોલૅજોમાં પરીક્ષાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. પરીક્ષા પૂરી થતાં જ શરૂ થશે વિદ્યાર્થીના મૂલ્યાંકન અને પરીક્ષણનું મહત્ત્વનું કાર્ય! આપણી શિક્ષણ પ્રથામાં શિક્ષણ અને પરીક્ષણને અલગ પાડી દેવામાં આવ્યા છે. આજની શિક્ષણ પદ્ધતિ અંગે નિરાશાનો સૂર વ્યક્ત થતો જોવા મળે છે. વિદ્યાર્થીને શિક્ષણ થકી ડિગ્રી તો મળે છે, પરંતુ એનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થતો નથી, એવી ગંભીર ફરિયાદ થતી રહે છે. સમાજના મોટાભાગની વ્યક્તિઓનો સૂર એવો પણ છે કે, આજની પરીક્ષા પદ્ધતિ પણ નિષ્ફળ ગઈ છે. તેથી જ પરીક્ષા પદ્ધતિમાં સુધારણાની વાતો પણ અવરનવર થતી રહે છે.
ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય તો વર્તમાન પરીક્ષા પદ્ધતિમાં પણ સુધારણાની આવશ્યકતા છે. શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિમાં જ નહીં, વિદ્યાર્થીના મૂલ્યાંકન કે પરીક્ષણમાં પણ ધરમૂળ ફેરફારની જરૂરિયાત છે. વિદ્યાર્થીનું મૂલ્યાંકન એ અધ્યયન અને અધ્યાપનની ખૂબ જ મહત્ત્વની બાબત છે. પરીક્ષણ કે મૂલ્યાંકનને લગતી પણ અનેક સમસ્યાઓ છે. વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં અવિશ્વસનીયતા અને વિદ્યાર્થીને અન્યાય થવાની ફરિયાદ થતી રહે છે. શિક્ષણમાં ગોખણીયા જ્ઞાનથી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીનું સાચું પરીક્ષણ ક્યારેય શક્ય બનતું નથી. તેથી વિદ્યાર્થીના મૂલ્યાંકન પદ્ધતિમાં આમૂલ પરિવર્તનની જરૂરિયાત છે. સાચી વાત તો એ છે કે 21 મી સદીમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપીને તેનું સર્વગ્રાહી પરીક્ષણ કે મૂલ્યાંકન થવું જોઈએ એ આજના સમયની માંગ છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુખનું સરનામું
સુખનું સરનામું છે જ નહિ ! એટલે કે તમો પોસ્ટકાર્ડ, ઇન્લેન્ડલેટર, રજીસ્ટર્ડ લેટર કે કુરીયર દ્વારા મોકલો તો જરૂર રીટન આવશે ! કારણ કે સુખનું સરનામું વ્યકિતની અંદર જ છે તેને શોધવાની જરૂર જ નથી. વ્યકિતને જે પણ મળ્યું છે તેનો ગુલાલ કદીએ ન મળ્યાનો માત્ર રંજ કરી, સુખને અવરોધો નહીં. સુખની માત્રા, વ્યકિતનાં ધન-સંપત્તિ કે સેવાકીય કાર્યના અભિગમથી મપાય છે જે વ્યકિતને માનસિક સ્થિરતા તથા સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે આજ વ્યકિતનું સુખનું સરનામું. જીવન ક્રમમાં આનંદિત રહો, રમૂજી સ્વભાવ રાખો, પ્રરાણિક રહો નાના મોતાના સારા કાર્યની કદર કરતાં રહો, બસ આ જ છે સુખનું કાયમી સરનામું.
સુરત – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
